ભાડૂત ઘર ખાલી નહતા કરતા, તો કોર્ટે જેલ ભેગા કરી દીધા અને ફટકાર્યો 1 લાખનો દંડ
નવી દિલ્હી: 27 સપ્ટેમ્બર, 2025: સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં ભાડાનું મકાન ખાલી કરવાના આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા બદલ બે વ્યક્તિઓને કોર્ટની અવમાનના (Contempt of Court) માટે દોષિત ઠેરવ્યા છે. આ બેમાંથી એક અવમાનના કરનારને કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે દોષિત વ્યક્તિને તુરંત કસ્ટડીમાં લેવાનો અને તિહાર જેલ મોકલવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે.
ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદનોનો પ્રયાસ
આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશ પરથી ઊભો થયો હતો, જેમાં હાઈકોર્ટે ભાડા નિયંત્રણ ઓથોરિટી (Rent Control Authority) દ્વારા ભાડૂતો (અવમાનના કરનારા)ને બેદખલ કરવાના નિર્દેશને માન્ય રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, ‘અવમાનના કરનારા બંને વ્યક્તિઓ આ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું જાણીજોઈને પાલન ન કરવા અને રેકોર્ડની વિરુદ્ધ વારંવાર ખોટા તથા ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપવાના પ્રયાસ કરવા બદલ દોષિત છે.’
1 લાખનો દંડ પણ ફટકાર્યો
સજા સાથે, કોર્ટે અવમાનના કરનારને બે મહિનાની અંદર સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીને 1 લાખનો દંડ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. જો તે આ દંડ ભરવામાં નિષ્ફળ જશે, તો તેને એક મહિનાની વધારાની જેલની સજા ભોગવવી પડશે.
આ પણ વાંચોઃ પોલીસની બેદરકારી સાંખી નહીં લેવાય, કસ્ટોડિયલ ડેથના કેસમાં તાત્કાલિક ધરપકડ કરો’, સુપ્રીમ કોર્ટની ચેતવણી
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચને 2 લાખનો દંડ ફટકાર્યો, વોટર લિસ્ટમાં ડબલ એન્ટ્રીને લઈને લગાવી ફટકાર












