સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચને 2 લાખનો દંડ ફટકાર્યો, વોટર લિસ્ટમાં ડબલ એન્ટ્રીને લઈને લગાવી ફટકાર
નવી દિલ્હી: 27 સપ્ટેમ્બર, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ (SEC)ની અરજી ફગાવી દીધી છે, જેમાં પંચે હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેણે તેના એક વિવાદાસ્પદ જાહેરનામાને રદ કર્યું હતું. આ જાહેરનામાં હેઠળ ઉમેદવારોને એકથી વધુ મતદાર યાદીમાં નામ હોવા છતાં પંચાયત ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને જાળવી રાખતા ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચ પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટે અગાઉ ચુકાદો આપ્યો હતો કે, SECની સ્પષ્ટતા ઉત્તરાખંડ પંચાયતી રાજ અધિનિયમ, 2016ની વિરુદ્ધ છે. કાયદો સ્પષ્ટ કરે છે કે કોઈ પણ વ્યક્તિ એક સમયે એકથી વધુ જગ્યાએ મતદાર તરીકે નોંધણી કરાવી શકતી નથી. તેમ છતાં, SECનો આદેશ આવા ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી આપતો હતો, જેના કારણે તે કાનૂની વિવાદનો વિષય બન્યો હતો.
સુપ્રીમ કોર્ટે SECને લગાવી ફટકાર
હાઇકોર્ટના નિર્ણયને પડકારતા રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખતા રાજ્ય ચૂંટણી પંચને સખત ઠપકો આપ્યો અને ટિપ્પણી કરી કે, ‘તમે વૈધાનિક જોગવાઈઓ વિરુદ્ધ નિર્ણય કેવી રીતે લઈ શકો?’
કોંગ્રેસના આકરા પ્રહારો: ‘વોટ ચોરીનો પર્દાફાશ’
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કોંગ્રેસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ‘વોટ ચોરી’નો પર્દાફાશ કર્યો છે અને આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ સત્તાધારી પાર્ટી ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું છે. ભાજપે પહેલા નગર પાલિકાની ચૂંટણીઓ દરમિયાન મતદારોના નામ ગામડાઓમાંથી શહેરોમાં ટ્રાન્સફર કર્યા હતા અને પછી પંચાયત ચૂંટણી પહેલા તેમને પાછા ગ્રામ યાદીમાં જોડ્યા હતા. જ્યારે આ વ્યૂહરચનાનો વિરોધ થયો, ત્યારે ભાજપના ઘણા સભ્યોએ અનેક જગ્યાઓ પર નવા રજિસ્ટ્રેશન કરાવી દીધા, જેનાથી તેઓ એક કરતાં વધુ મતવિસ્તારમાં મતદાન કરવા માટે પાત્ર બની ગયા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેના 6 મહિનાના નિવાસ નિયમના ઉલ્લંઘનની વારંવાર ફરિયાદો છતાં રાજ્ય ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી કરી નહોતી અને આવા ઉમેદવારોને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરીને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેને SECએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પંચને સખત ફટકાર લગાવી છે.
આ પણ વાંચોઃ યુનાઈટેડ વે ફરી વિવાદમાંઃ દુષ્કર્મના આરોપીઓનો વીડિયો સામે આવતાં મચી ચકચાર
આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં વહેલી સવારે થારનો થયો ભયંકર અકસ્માત, પાંચ લોકોના મોત












