ગુજરાતટ્રેન્ડિંગ

“મને જીવતા જીવ જ મારી નાખ્યો”, 75 વર્ષીય વૃદ્ધનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

Voting Rights: આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે એક શરમજનક ઘટના સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામે બની છે. અમદાવાદમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ ખાસ પોતાના વતન કીમ ગામે મતદાન કરવા 250 કિલોમીટરનું અંતર કાપીને આવ્યા હતા. પરંતુ મતદાન મથકે પહોંચતાં જ તેમને જાણ થઈ કે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. આ જાણીને વૃદ્ધ ઘણા નિરાશ થઈ ગયા.

વૃદ્ધે મતદાન કેન્દ્ર પર પહોંચીને તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું, “મને જીવતા જીવ જ મારી નાખ્યો.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આ કદાચ મારું છેલ્લું મતદાન હતું. આ પછી હું મતદાન કરવા માટે જીવતો હોઈશ કે નહીં તેની પણ ખબર નથી.” છેક અમદાવાદથી આટલું અંતર કાપીને આવ્યા પછી પોતાનો મતાધિકાર છીનવાઈ જતાં તેમના ચહેરા પર વેદના સ્પષ્ટ જોવા મળી રહી હતી.

અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR 2026) દરમિયાન વૃદ્ધે ફોર્મ ભર્યું ન હતું, તેથી તેમનું નામ કમી થયું છે. વૃદ્ધ કીમ ગામના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેમણે મતદાન કરવા માટે ખાસ પોતાના વતનમાં આવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તેમનો મતાધિકાર ગુમાવવો પડ્યો.

આ ઘટના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં મતદાર યાદીની સુધારણા અંગેના વિવાદોને વધુ તીવ્ર બનાવી રહી છે. વૃદ્ધની વેદના સામે આવતાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર પણ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચૂંટણી તંત્રને આવી ભૂલો સુધારવા અને વૃદ્ધો તેમજ સામાન્ય મતદારોના મતાધિકારનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જામનગર: વોર્ડ નં. 3ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન, નેતા-કાર્યકર્તાઓમાં શોકનો માહોલ

Back to top button