દોઢ કરોડ બાદ પણ પત્ની છૂટાછેડા આપવા રાજી નહતી, SC એક ઝટકે ખતમ કરી દીધા લગ્ન

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પત્નીના આચરણથી નારાજ થઈને સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142નો ઉપયોગ કરી લગ્ન જીવનનો અંત આણ્યો છે. પત્નીએ પહેલા સમજૂતી કરી અને પછી છેલ્લી ઘડીએ પીછેહઠ કરીને પતિ પર કેસ ઠોકી દીધો હતો, જેને કોર્ટે ન્યાય વ્યવસ્થાનું અપમાન ગણાવ્યું છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ દંપતીના લગ્ન વર્ષ 2000માં થયા હતા. વર્ષ 2023માં પતિએ છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટમાં મધ્યસ્થતા (Mediation) દરમિયાન બંને વચ્ચે સમજૂતી થઈ હતી કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થશે. સમજૂતી મુજબ, પતિ પત્નીને દોઢ કરોડ રૂપિયા રોકડા અને કાર માટે 14 લાખ રૂપિયા આપવા સંમત થયો હતો. જેમાંથી 75 લાખ અને 14 લાખ રૂપિયા ચૂકવી પણ દેવાયા હતા.
પત્નીની દલીલો અને કોર્ટની નારાજગી
અંતિમ આદેશ પહેલા પત્ની પોતાની સંમતિથી ફરી ગઈ અને પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો. પત્નીએ દાવો કર્યો કે પતિએ તેને 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાના બિસ્કિટ આપવાનું વચન આપ્યું હતું, જે ટેક્સ બચાવવા માટે લખાણમાં લેવાયા નહોતા. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે આ દલીલને ફગાવી દેતા કહ્યું કે, 23 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય ઘરેલું હિંસાની ફરિયાદ નહોતી થઈ અને આ કેસ માત્ર વિવાદ ચાલુ રાખવા માટે કરાયો છે.
કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એકવાર મધ્યસ્થતા દ્વારા અંતિમ સમજૂતી થઈ જાય અને કોર્ટ તેને મંજૂર રાખે, પછી તેનાથી પીછેહઠ કરવી એ મધ્યસ્થતા સિસ્ટમને નબળી પાડે છે. યોગ્ય કારણ વગર સમજૂતી તોડનાર પક્ષ પર ભારે દંડ લાગવો જોઈએ.
કોર્ટે સ્વીકાર્યું કે આ લગ્ન હવે બચાવી શકાય તેમ નથી, તેથી કલમ 142 હેઠળ છૂટાછેડા મંજૂર કર્યા અને પત્ની દ્વારા કરાયેલો ઘરેલું હિંસાનો કેસ પણ રદ કરી દીધો.
આ પણ વાંચોઃ તુર્કીની શાળામાં ગોળીબાર, 4ના મોત, 20 થી વધુ ઘાયલ
આ પણ વાંચોઃ IPL માં મયંક યાદવની વાપસી? RCB સામે રમવાની મળશે તક, આ ખેલાડી હશે LSG બહાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












