પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી, AIIMSમાં કરાયા દાખલ
Jagdeep Dhankhar: દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની બુધવારે સવારે મોર્નિંગ વોક દરમિયાન અચાનક તબિયત બગડી હતી. તેઓ ચાલતી વખતે અચાનક બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેભાન થયા બાદ તેઓ કેટલીક મિનિટો સુધી અચેત અવસ્થામાં રહ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હોસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં કરાયા દાખલ
મળતી માહિતી મુજબ, જગદીપ ધનખડ સાથે હાજર સુરક્ષાકર્મીઓ તેમને PCR વાહન દ્વારા ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ ILBSની મેડિકલ ટીમ અને AIIMSના ડૉક્ટર સંદીપ સેઠે તેમની તપાસ કરી હતી અને જરૂરી તબીબી સારવાર આપી હતી. જોકે, તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે AIIMS લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 75 વર્ષીય જગદીપ ધનખડને હોસ્પિટલના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમની વિસ્તૃત તબીબી તપાસ અને સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ તબિયત બગડતાં તેમને દિલ્હીની AIIMSમાં કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: WhatsAppમાં આવશે AIનો નવો અવતાર, પેમેન્ટ પણ થશે સરળ
કેવો રહ્યો જગદીપ ધનખડનો રાજકીય સફર?
જગદીપ ધનખડે પોતાની રાજકીય કારકિર્દીમાં જનતા દળ, કોંગ્રેસ અને ભાજપ જેવી વિવિધ પાર્ટીઓમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
-
1989થી 1991: જનતા દળના સભ્ય તરીકે નવમી લોકસભામાં ઝુનઝુનુ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
-
1991: તેમણે કોંગ્રેસમાં જોડાઈને અજમેર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જોકે તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
-
1993થી 1998: રાજસ્થાનની કિશનગઢ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.
-
1998: ઝુનઝુનુ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ત્રીજા સ્થાને રહ્યા હતા.
-
2003: ભાજપમાં જોડાયા હતા અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના સભ્ય તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.
-
2016: ભાજપના કાનૂની અને વિધાનસભા બાબતોના વિભાગની જવાબદારી સંભાળી હતી.
-
જુલાઈ 2019: તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેના રાજકીય અને વહીવટી મતભેદોને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
-
જુલાઈ 2022: NDAએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણીમાં જીત મેળવી તેઓ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ બન્યા હતા.
-
જુલાઈ 2025: નિર્ધારિત કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ તેમણે સ્વાસ્થ્યનાં કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.












