ટ્રેન્ડિંગનેશનલ

યુપી અને કેરળમાં SIRની સમય મર્યાદા વધારવામાં આવશે? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું 

નવી દિલ્હી: 18 ડિસેમ્બર, 2025: સુપ્રીમ કોર્ટે ગુરુવારે (18 ડિસેમ્બર) ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે તે ઉત્તર પ્રદેશ અને કેરળમાં મતદાર યાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે સમય મર્યાદા વધારવાની માંગ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરે. કોર્ટે પંચને જમીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જણાવ્યું છે.

​25 લાખ નામો હટાવવાનો ગંભીર મુદ્દો

​ચિફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, માત્ર ઉત્તર પ્રદેશમાં જ મતદાર યાદીમાંથી અંદાજે 25 લાખ નામો દૂર કરવામાં આવ્યા છે. તેમણે ચોંકાવનારી વિગત આપતા કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં પતિનું નામ યાદીમાં હોય છે પણ પત્નીનું નામ ગાયબ હોય છે.

​ચૂંટણી પંચ અને અરજદારોની દલીલો

​વકીલ સિબ્બલે જણાવ્યું કે, SIR ફોર્મ જમા કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં આ પ્રક્રિયા 3 ડિસેમ્બરે સમાપ્ત થવાની છે. ​ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ એડવોકેટ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી કે, આ બાબત ચૂંટણી પંચ પર છોડી દેવી જોઈએ, કારણ કે સમય મર્યાદા અગાઉ પણ વધારવામાં આવી છે.

​2027ની ચૂંટણી

અરજદારોના વકીલે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2027માં થવાની છે, તો પછી પંચ પૂરતો સમય કેમ નથી આપી રહ્યું?

​કોર્ટની ટિપ્પણી અને આગામી સુનાવણી

​અરજદારો વતી વરિષ્ઠ એડવોકેટ રાજુ રામચંદ્રને કહ્યું હતું કે, ચૂંટણી પંચની ભૂમિકા ‘શંકાશીલ પાડોશી’ કે ‘પોલીસમેન’ જેવી ન હોવી જોઈએ, પરંતુ મતદાનના અધિકારોના સહાયક તરીકેની હોવી જોઈએ.

​સુપ્રીમ કોર્ટે આ મામલે વિવિધ અરજીઓ પરની અંતિમ સુનાવણી ૬ જાન્યુઆરી સુધી સ્થગિત કરી છે. તે દિવસે ચૂંટણી પંચ પોતાનો અંતિમ પક્ષ રજૂ કરશે.

Back to top button