ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ખાંડના ભાવમાં રાહત મળશે: એક્સ-મિલ કિંમત 18% ઘટીને રૂ.55 પ્રતિ કિલો

Sugar Price: તહેવારો પહેલાં ખાંડના ભાવમાં આવેલા જોરદાર ઉછાળા બાદ હવે રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. ગયા અઠવાડિયે ખાંડનો ભાવ રેકોર્ડ રૂ.67 પ્રતિ કિલો સુધી પહોંચ્યા બાદ એક્સ-મિલ ભાવમાં લગભગ 18 ટકાનો ઘટાડો થયો છે અને તે હવે રૂ.55 પ્રતિ કિલોના સ્તરે આવી ગયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ભાવમાં હજુ ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું કે ખાંડના ભાવમાં અગાઉ થયેલો વધારો દેશમાં ખાંડની અછતને કારણે નહોતો. દેશમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ મિલો દ્વારા ભાવ વધારવામાં આવતા બજારમાં કિંમતો વધી હતી. તેમણે જણાવ્યું કે સરકારના તાજેતરના પગલાં બાદ મિલ સ્તરે ભાવ ઘટવા લાગ્યા છે. ખાંડની આયાતને મંજૂરી, જથ્થાબંધી સામે કાર્યવાહી અને સટ્ટાબાજી રોકવા માટે લેવામાં આવેલા પગલાંની અસર હવે બજારમાં દેખાઈ રહી છે.

10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી

ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપી હતી. આ ઉપરાંત મોટા ગ્રાહકો માટે સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે અને રાજ્યોને જથ્થાબંધી તથા સટ્ટાબાજી સામે તપાસ વધારવા સૂચના આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આયાત અને કડક મોનિટરિંગને કારણે બજારમાં વધારાનો પુરવઠો આવશે અને ભાવ પર દબાણ ઘટશે.

દેશમાં ખાંડનો પૂરતો જથ્થો

2025-26ના માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન આશરે 306 લાખ ટન રહેવાનો અંદાજ છે. અગાઉ ઉત્પાદન 343 લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. ઉત્પાદનનો અંદાજ ઘટાડવામાં આવ્યો હોવા છતાં દેશની વાર્ષિક ઘરેલું માંગ લગભગ 280થી 285 લાખ ટન છે. તેથી સરકારનું કહેવું છે કે દેશમાં ખાંડની કોઈ ગંભીર અછત નથી અને ઉપલબ્ધ જથ્થો માંગ પૂરી કરવા પૂરતો છે.

ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દેશભરમાં તપાસ

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ શુગર ફેક્ટરીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકનવારેએ જણાવ્યું કે દેશના મોટાભાગના વિસ્તારોમાં એક્સ-મિલ ભાવ હવે રૂ.55 પ્રતિ કિલો અથવા તેનાથી નીચે આવી ગયો છે. જથ્થાબંધી રોકવા માટે દેશભરમાં ફ્લાઈંગ સ્ક્વોડ મોકલવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સરકારના પગલાંથી ભાવમાં થઈ રહેલો વધારો અટક્યો છે અને આગામી દિવસોમાં મિલ સ્તરે ભાવ વધુ ઘટવાની શક્યતા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગ્રાહકોને હજી સંપૂર્ણ રાહત નહીં

એક્સ-મિલ ભાવ ઘટ્યા હોવા છતાં છૂટક બજારમાં ગ્રાહકોને હજુ તેનો સંપૂર્ણ લાભ મળ્યો નથી. સામાન્ય રીતે એક્સ-મિલ અને હોલસેલ ભાવ વચ્ચે રૂ.2થી રૂ.3 પ્રતિ કિલોનો તફાવત રહે છે, જ્યારે એક્સ-મિલ અને રિટેલ ભાવ વચ્ચે રૂ.7થી રૂ.8 પ્રતિ કિલોનું અંતર રહે છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા પ્રમાણે 24 ઓગસ્ટે દેશમાં ખાંડનો સરેરાશ હોલસેલ ભાવ રૂ.58.29 પ્રતિ કિલો હતો, જ્યારે સરેરાશ રિટેલ ભાવ રૂ.63.05 પ્રતિ કિલો રહ્યો હતો. હવે મિલ સ્તરે ભાવમાં ઘટાડો થયા બાદ આગામી દિવસોમાં હોલસેલ અને રિટેલ બજારમાં પણ ખાંડ સસ્તી થવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ IIT Delhi વિદ્યાર્થીના મૃત્યુ બાદ કેમ્પસમાં વિરોધ, તપાસ માટે 5 સભ્યોની સમિતિ
Back to top button