શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું મંદિર

ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર સોમનાથ મંદિર પરિસર **‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’**ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની લાંબી કતારો વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા
શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે આજે સોમનાથ મહાદેવની વિશેષ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલખીયાત્રા દરમિયાન સમગ્ર સોમનાથમાં ભક્તિ અને ધાર્મિક વાતાવરણ વધુ ગાઢ બનશે.
મંદિર પરિસરમાં આવેલા વિશાળ સંકીર્તન હોલમાં પણ ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ધ્વજાપૂજા સહિત વિવિધ પ્રકારની પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓમાં ભક્તો સહભાગી બની શકે તે માટે આયોજન કરાયું છે.
ગોંડલ મુક્તિધામમાં વિશેષ ભસ્મ આરતી
બીજી તરફ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગોંડલમાં પણ શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત મુક્તિધામ ખાતે વહેલી સવારે 6.30 વાગ્યે વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભસ્મ આરતી દરમિયાન સમગ્ર મુક્તિધામ પરિસર ‘હર હર મહાદેવ’ના નાદ, ઘંટારાવ અને ડમરુના ધ્વનિથી ગુંજી ઉઠ્યું હતું. શિવલિંગ પર આશરે 3 કિલો ભસ્મથી વિશેષ અભિષેક અને આરતી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા
શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે ભક્તોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે.
આથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો કતારબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે મહાદેવના દર્શન કરી શકે તેમજ કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે યાત્રી સુવિધાઓ અને સુરક્ષાની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સોમવાર અને તહેવારોમાં સવારે 4 વાગ્યે ખુલશે મંદિર
શ્રાવણ માસ દરમિયાન આવનારા ચાર સોમવાર તેમજ મુખ્ય તહેવારોના દિવસે સોમનાથ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ભક્તોને વહેલી સવારથી દર્શનનો લાભ મળી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ 13 ઓગસ્ટથી થયો છે, જે 11 સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસના દિવસે પૂર્ણ થશે.
શ્રાવણ માસમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો વિશેષ સંગમ જોવા મળશે. ચાર સોમવાર ઉપરાંત અગિયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા મહત્વના દિવસોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવાની ધારણા છે.
આ તમામ દિવસોમાં આવનારા માનવ મહેરામણને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા, પૂજન-અર્ચન અને દર્શનની આગવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દેશ-વિદેશથી આવતા ભક્તો આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન સરળતાથી કરી શકે.
આ પણ વાંચો: ફરી વિવાદમાં આવ્યું NTA: NEET બાદમાં હવે UGC NETમાં પણ ધાંધિયા, 3 પેપર રદ કર્યા












