ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફરી વિવાદમાં આવ્યું NTA: NEET બાદમાં હવે UGC NETમાં પણ ધાંધિયા, 3 પેપર રદ કર્યા

નવી દિલ્હી: NEET પેપર લીક વિવાદ બાદ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી UGC-NET પરીક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્રશ્નપત્રોમાં મોટી સંખ્યામાં તથ્યાત્મક, ભાષાકીય અને ટેક્નિકલ ભૂલો સામે આવ્યા બાદ NTA એ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (Sociology) એમ ત્રણ વિષયોની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ત્રણેય વિષયોની પુનઃપરીક્ષા આગામી 9 અને 10 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે.

NTA અનુસાર પુનઃપરીક્ષા માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્ર, શહેર અને નવા એડમિટ કાર્ડ અંગેની માહિતી ટૂંક સમયમાં NTAની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

પ્રશ્નપત્રોમાં અનેક પ્રકારની ગંભીર ભૂલો

NTA દ્વારા પરીક્ષા રદ કરવા પાછળ પ્રશ્નપત્રોની ગુણવત્તા અંગે ગંભીર ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્નોમાં તથ્યાત્મક ભૂલો, ટાઇપિંગની ક્ષતિઓ, અનુવાદની ભૂલો, વિદ્વાનોના નામોના ખોટા સ્પેલિંગ, પુસ્તકોના ખોટા શીર્ષકો તેમજ વ્યાકરણ, લિંગ અને વચન સંબંધિત ખામીઓ જોવા મળી હતી.

આ ઉપરાંત કેટલાક પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો સાથે ખૂબ જ સામ્ય ધરાવતા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. જેને કારણે પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને તેની ચકાસણીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. જોકે, અગાઉના પ્રશ્નોની પુનરાવર્તનને સીધું પેપર લીકનો પુરાવો માનવામાં આવ્યો નથી.

NTAનું કહેવું છે કે ભૂલોનું પ્રમાણ એટલું વધારે હતું કે માત્ર આન્સર-કી ચેલેન્જ અથવા ઓબ્જેક્શન પ્રક્રિયા દ્વારા તેનો ઉકેલ શક્ય નહોતો. તેથી ત્રણ વિષયોની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરાયો છે.

વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે લેવાયો નિર્ણય

UGC-NETની કુલ 87 વિષયોની પરીક્ષામાંથી 84 વિષયોની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરવામાં આવી છે. પરિણામોમાં થઈ રહેલા વિલંબ અને પરીક્ષા પ્રક્રિયાને લઈને નારાજ વિદ્યાર્થીઓએ 11 ઓગસ્ટે NTAના ઘેરાવની ચેતવણી આપી હતી.

ત્યારબાદ એજન્સીએ એક અઠવાડિયામાં આન્સર-કી જાહેર કરવાની ખાતરી આપી હતી. બાકીના 84 વિષયો માટે ઉમેદવારો 18 ઓગસ્ટ 2026ના રાત્રે 11:59 વાગ્યા સુધી આન્સર-કી સામે વાંધો નોંધાવી શકશે.

પુનઃપરીક્ષાનું વિષયવાર શિડ્યૂલ

અંગ્રેજી: 9 સપ્ટેમ્બર 2026
શિફ્ટ-1: સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી

કોમર્સ: 9 સપ્ટેમ્બર 2026
શિફ્ટ-2: બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી

સમાજશાસ્ત્ર (Sociology): 10 સપ્ટેમ્બર 2026
શિફ્ટ-1: સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી

બાકીના 84 વિષયોના પરિણામ પર અસર નહીં

NTAએ સ્પષ્ટ કર્યું છે કે અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર સિવાયના બાકીના 84 વિષયોના પરિણામો નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ જાહેર કરવામાં આવશે. ત્રણ વિષયોની પુનઃપરીક્ષાના કારણે અન્ય ઉમેદવારોની પરિણામ પ્રક્રિયામાં વિલંબ નહીં થાય.

JRFની સીટોની ફાળવણી, આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાત્રતા તેમજ PhD પ્રવેશ માટે ઈ-સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા પણ અગાઉના શિડ્યૂલ અનુસાર આગળ વધારવામાં આવશે.

NTA અનુસાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ક્વોલિફાય થનારા ઉમેદવારોની સંખ્યા જૂન 2026ની મુખ્ય પરીક્ષા અને પુનઃપરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની કુલ સંખ્યાના 6 ટકાના નિયમને આધારે નક્કી કરવામાં આવશે.

UGC-NET જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષાના પ્રશ્નપત્રોમાં આવી મોટી સંખ્યામાં ભૂલો સામે આવતાં હવે પરીક્ષા તૈયાર કરવાની પ્રક્રિયા, પ્રશ્નપત્રોની સ્ક્રુટિની અને ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા અંગે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો: 11 ઝડપાયા, રૂ.1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

Back to top button