‘અહીં બૂમો પાડવા નથી…’ સંસદમાં હોબાળો થતા શશિ થરૂરે પોતાની જ પાર્ટીના નેતાઓને લીધા આડે હાથ

નવી દિલ્હી: 5 ડિસેમ્બર, 2025: મોદી સરકારની પ્રશંસા કરવા અને કોંગ્રેસની બેઠકોમાં ગેરહાજર રહેવાને લઈને શશિ થરૂર છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીના નેતાઓના નિશાના પર છે. લોકસભામાં તેમણે ફરી એકવાર પાર્ટીના નેતાઓ સાથેના અણબનાવને ખુલ્લેઆમ વ્યક્ત કર્યો. હકીકતમાં, લોકસભામાં વિપક્ષના હોબાળા દરમિયાન શશિ થરૂર પોતાના જ નેતાઓને સલાહ આપવા લાગ્યા. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલવા દેવી જોઈએ.
‘હંગામો કરવા માટે નથી મોકલ્યા’
થરૂરે કહ્યું કે, “મેં શરૂઆતથી જ કહ્યું છે. સોનિયા ગાંધીજી સહિત મારી પાર્ટીના તમામ નેતાઓ જાણે છે. કદાચ હું મારી પાર્ટીમાં આવી વાત કરનાર એકલો હોઈશ. પરંતુ આપણી જનતાએ આપણને સંસદમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા છે. આ રીતે હંગામો કરવા અને બૂમો પાડવા માટે નથી મોકલ્યા. જનતાએ અમને તેમની સમસ્યાઓ સંસદમાં રજૂ કરવા અહીં મોકલ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળું સત્ર શરૂ થયા બાદ વિપક્ષ અનેક મુદ્દાઓ પર હંગામો કરી રહ્યું છે. અગાઉ, થરૂર સંસદના શિયાળું સત્ર અંગેની વ્યૂહાત્મક બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેના કારણે તેઓ પાર્ટીના નિશાના પર હતા.












