‘ડૉક્ટરી છોડો… માફિયા બનો અને ચૂંટણી લડો…’ ટ્રેઇની ડૉક્ટર્સને અજીબ સલાહ આપતો સિનિયર ડૉક્ટરનો વીડિયો વાઈરલ

મધ્ય પ્રદેશ: 25 સપ્ટેમ્બર, 2025: મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લા હોસ્પિટલમાંથી એક ટ્રેઇની ડૉક્ટરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે યુવાનોને ડૉક્ટર બનવાને બદલે માફિયા અને નેતા બનવાની સલાહ આપતો જોવા મળી રહ્યો છે. ડૉક્ટરે કહ્યું કે ‘ડોક્ટર બનીને શું કરશો? અમારો પગાર આવતો નથી. તેના કરતાં ચરસ-ગાંજો વેચીને 30-40 કરોડ રૂપિયા ભેગા કરો અને પછી ધારાસભ્ય કે કાઉન્સિલરની ચૂંટણી લડો, પછી તો પૈસા જ પૈસા છે.”
હકીકતમાં, કેટલાક યુવકો મેડિકલ લીગલ સર્ટિફિકેટ (MLC) માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે તેમની વાતચીત ટ્રેઇની ડૉક્ટર સાનિધ્ય દુબે સાથે શરૂ થઈ. જ્યારે ડૉક્ટરે પૂછ્યું કે, તમે લોકો ભણી-ગણીને શું બનવા માંગો છો? ત્યારે એક યુવકે ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
માફિયા બનવાની સલાહ અને વિવાદ
યુવકના જવાબ પર ડૉ. દુબેએ મજાકીયા પણ વાંધાજનક લહેકામાં કહ્યું, ‘અરે, ડૉક્ટર બનીને શું કરશો? અહીં એક પણ જગ્યા ખાલી નથી. અમે ચાર તો અહીં જ બેઠા છીએ, પગાર આવતો નથી. તેના કરતાં સારું છે કે માફિયા બનો, ચરસ-ગાંજો વેચો, પૈસા કમાઓ. આખી દુનિયા તમારી નીચે કામ કરશે. પછી 6-8 મહિનામાં 30-40 કરોડ રૂપિયા ભેગા કરો અને ધારાસભ્ય-કાઉન્સિલરની ચૂંટણી લડો. પછી તો પૈસા જ પૈસા હશે.’
આ સમગ્ર વાતચીત ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. લગભગ 45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ડૉ. દુબેનો ચહેરો સ્પષ્ટ દેખાય છે.
CMHOએ નોટિસ ફટકારી, હટાવવાની ભલામણ
આ મામલે છિંદવાડાના CMHO ડૉ. નરેશ ગોન્નાડેએ ડૉક્ટર સાનિધ્ય દુબેને નોટિસ જારી કરી છે અને તેમને હટાવવા માટે વહીવટીતંત્રને ભલામણ પણ કરી છે.
CMHO ડૉ. ગોન્નાડેએ જણાવ્યું, ‘હા, આ ડૉક્ટર ત્યાં ફરજ પર છે. કેટલાક યુવકોને MLC માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં કોઈએ વીડિયો બનાવી લીધો અને હવે તે વાઈરલ થઈ રહ્યો છે. અમે પણ વીડિયો જોયો છે અને તે તંત્રના ધ્યાનમાં પણ છે. અમે તેમને નોટિસ આપી છે. આ ડૉક્ટરની નિમણૂક ડાયરેક્ટ NHM ભોપાલ દ્વારા થાય છે.
આ પણ વાંચોઃ ભારતના સૌથી પાવરફુલ સેલિબ્રિટીઝની યાદી જાહેર થઈ, જાણો ટોપ 25માં કોના છે નામ
આ પણ વાંચોઃ ‘1962ના યુદ્ધમાં ચીનનો હુમલો ઘણો ધીમો પડી ગયો હોત જો…’, CDS અનિલ ચૌહાણનો મોટો દાવો












