ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કઠુઆ હુમલાને લઈને આતંકવાદીઓની શોધ તેજ, સુરક્ષા દળોએ 24 લોકોની કરી અટકાયત

  • જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ કઠુઆ ઓચિંતા હુમલાના સંબંધમાં 24 લોકોની અટકાયત કરી છે જેમાં સેનાના પાંચ જવાનો માર્યા ગયા હતા. આતંકવાદીઓને શોધવા માટે અનેક જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

જમ્મુ-કાશ્મીર, 10 જુલાઈ: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ઓચિંતો હુમલો કરનારા આતંકવાદીઓની શોધમાં ઓછામાં ઓછા 24 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. બુધવારે ત્રીજા દિવસે પણ આ અભિયાન ચાલુ રહ્યું હતું. કઠુઆ, ઉધમપુર અને ભદરવાહ સહિત ચાર જિલ્લાના ગાઢ જંગલોમાં તૂટક તૂટક ભારે વરસાદ વચ્ચે સેના અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કઠુઆના બદનોટા ગામ પાસે આતંકવાદીઓએ સેનાની બે ટ્રકો પર એટેક કરીને હુમલો કર્યો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા.

અનેક જિલ્લાઓમાં ચાલી રહી છે ઝુંબેશ

સેના દ્વારા 3 અલગ-અલગ વિસ્તારોમાંથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને ઉધમપુર, સાંબા, રાજૌરી અને પૂંચ જિલ્લાના ગાઢ જંગલોમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સાંબાના લાલા ચક વિસ્તાર, રાજૌરીના માંજાકોટ વિસ્તાર અને પૂંચના સુરનકોટ વિસ્તારમાં નવેસરથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડોડા જિલ્લાના ઉંચા વિસ્તારોમાં બીજું ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યાં મંગળવારે સાંજે એન્કાઉન્ટર થયું હતું. બે ઘાયલ આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો ઘડી કેસરના જંગલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે.

હુમલામાં આ જવાનો થયા હતા શહીદ

સોમવારે, આતંકવાદીઓએ કઠુઆ જિલ્લા મુખ્યાલયથી લગભગ 150 કિમી દૂર બદનોટા ગામ નજીક માચેડી-કિંડલી-મલ્હાર હિલ રોડ પર પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં પાંચ આર્મી જવાનો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે કઠુઆમાં સોમવારે એક એવા વિસ્તારમાં હુમલો થયો હતો જ્યાં આજ સુધી આતંકવાદી ગતિવિધિઓનો કોઈ રેકોર્ડ નથી. આ ઓચિંતા હુમલામાં નાયબ સુબેદાર આનંદર સિંહ રાવત, નાઈક વિનોદ સિંહ, રાઈફલમેન આદર્શ નેગી, હવાલદાર કમલ સિંહ અને રાઈફલમેન અનુજ નેગી શહીદ થયા હતા. તમામ સૈનિકો ઉત્તરાખંડના રહેવાસી છે.

સ્થાનિક લોકોએ સેના પાસે કરી આ માંગ

બદનોટા ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોએ તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ગામની સુરક્ષા કરવા વિનંતી કરી છે. તે જ સમયે, સ્થાનિક નેતાઓએ આતંકવાદ સામેની લડાઈમાં મદદ કરવા માટે શસ્ત્રો અને તાલીમની માંગ કરી છે, અને સ્થાનિક યુવાનો માટે વિશેષ ભરતી અભિયાનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સ્થાનિક ગ્રામજનોએ સુરક્ષા દળોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમણે આતંકવાદનો સામનો કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ITBPએ ભારત-ચીન બોર્ડર પર સોનાનો સૌથી મોટો જથ્થો કર્યો જપ્ત, કિમત જાણી ચોંકી જશો

Back to top button