Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘તમારા શબ્દો મારા મોંઢામાં ન નાંખો…’ મમતા VS ED મામલે કપિલ સિબ્બલ પર કેમ ભડક્યા ન્યાયાધીશ?

નવી દિલ્હી: 15 જાન્યુઆરી, 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC પર EDના દરોડા બાદ શરૂ થયેલો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. ગુરુવારે (15 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટમાં આ મામલે ખૂબ જ તીખી ચર્ચા જોવા મળી હતી. આ કેસ હવે માત્ર દરોડા પૂરતો મર્યાદિત ન રહેતા ‘ED વિરુદ્ધ મમતા બેનર્જી’ વચ્ચેનો કાયદાકીય જંગ બની ગયો છે.

EDની મોટી માંગ: DGP રાજીવ કુમારને સસ્પેન્ડ કરો

EDએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને પશ્ચિમ બંગાળના DGP રાજીવ કુમાર સહિત ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. EDનો આરોપ છે કે, આ અધિકારીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મળીને તપાસમાં અવરોધ ઉભો કર્યો છે. તેમણે દરોડા દરમિયાન પુરાવાઓની ચોરી કરવામાં મદદ કરી હતી. DGP રાજીવ કુમાર અગાઉ પણ મમતા બેનર્જી સાથે ધરણા પર બેસી ચૂક્યા છે, તેથી તેમની નિષ્પક્ષતા શંકાસ્પદ છે.

“લોકશાહી પર ભીડતંત્ર હાવી” – સોલિસિટર જનરલની રજૂઆત

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ ગંભીર આરોપ લગાવ્યો કે, કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હંગામો મચાવીને ન્યાયિક પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, “જ્યારે ભીડતંત્ર લોકશાહી પર હાવી થઈ જાય ત્યારે શું થાય તે જુઓ. હાઈકોર્ટમાં એવું વાતાવરણ નથી કે ત્યાં શાંતિથી સુનાવણી થઈ શકે. હાઈકોર્ટમાં ASG રાજુનો માઈક વારંવાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે હાઈકોર્ટમાં થયેલા હંગામા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે મમતા બેનર્જીના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જસ્ટિસે આકરા શબ્દોમાં કહ્યું, “તમે મારા મોઢામાં તમારા શબ્દો ન નાખો. અમે નક્કી કરીશું કે શું માનવું અને શું નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે અને અમે આની સમીક્ષા કરીશું.”

મમતા બેનર્જીનો પક્ષ: “ચૂંટણી ડેટા ચોરવાની કોશિશ”

ટીએમસી તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે, ED ચૂંટણીમાં ગરબડ કરવા અને ડેટા ચોરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી માત્ર પાર્ટીના અંગત દસ્તાવેજો અને લેપટોપ જ સાથે લઈ ગયા હતા, કારણ કે ચૂંટણી ડેટા ગુપ્ત હોય છે. જો આ ડેટા કોઈના હાથમાં આવી જાય, તો ચૂંટણી લડવી અશક્ય બની જાય.

 

Back to top button