ટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળ રાજકારણમાં ગરમાવો: મમતા બેનર્જીને વિપક્ષના નેતા પદ પર સ્ટે આપવાનો કોર્ટનો ઈનકાર

West Bengal Politics News: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાની (LoP) ખુરશીને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે મમતા બેનર્જીને કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આ મામલે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અરજી પર તાત્કાલિક કોઈ રાહત આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે. અદાલતે સ્પીકરના નિર્ણય પર હાલ પૂરતો કોઈ સ્ટે લગાવવાની ના પાડી દીધી છે, જેનો અર્થ એ છે કે ઋતબ્રત બેનર્જી જ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે યથાવત રહેશે.

પશ્ચિમ બંગાળમાં હાલના સમયે ભારતીય જનતા પાર્ટીની (BJP) સરકાર છે અને TMC સત્તામાંથી બહાર થઈ ચૂકી છે. સામાન્ય નિયમ મુજબ, વિધાનસભામાં જે પક્ષ સત્તામાં હોય તેના મુખ્ય નેતા મુખ્યમંત્રી બને છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષના નેતાને ‘નેતા વિપક્ષ’ એટલે કે Leader of Opposition (LoP) નો દરજ્જો મળે છે. પરંતુ આ જ પદની નિમણૂકને લઈને હવે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.

સોવનદેબ ચટ્ટોપાધ્યાયની જગ્યાએ ઋતબ્રત બેનર્જીને મળી માન્યતા

પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રથીન્દ્રનાથ બોસ છે. અત્યાર સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોવનદેબ ચટ્ટોપાધ્યાય સંભાળતા હતા. પરંતુ સ્પીકર રથીન્દ્રનાથ બોસે એક મોટો અને આંચકાજનક નિર્ણય લેતા અચાનક ઋતબ્રત બેનર્જીને નવા વિપક્ષના નેતા તરીકે સ્વીકારી લીધા અને તેમને આ પદની સત્તાવાર માન્યતા પણ આપી દીધી.

કોણ છે ઋતબ્રત બેનર્જી અને TMCને કેમ લાગી મિર્ચી?

હવે સૌથી મોટો સવાલ એ છે કે ઋતબ્રત બેનર્જી કોણ છે અને તેમની નિમણૂકથી મમતા બેનર્જીની પાર્ટી કેમ ભડકી છે? ઋતબ્રત બેનર્જી મૂળ TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસના જ નેતા છે. પરંતુ ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર બાદ તેમણે પોતાની જ પાર્ટી અને હાઈકમાન્ડ સામે ખુલ્લો બળવો કરી દીધો હતો.

TMCને સ્પીકરનો આ નિર્ણય બિલકુલ મંજૂર નથી. પાર્ટીનું કહેવું છે કે વિપક્ષના નેતાની નિમણૂક સ્પીકર પોતાની મરજીથી એકતરફી ન કરી શકે. આ માટે એ જોવું જરૂરી છે કે વિધાનસભામાં કઈ પાર્ટી પાસે કેટલા ધારાસભ્યોનું સંખ્યાબળ છે, કયો પક્ષ અસલી વિપક્ષ છે અને વર્તમાન રાજકીય વાસ્તવિકતા શું છે. TMCએ આક્ષેપ કર્યો છે કે સ્પીકરે એક બળવાખોર નેતાને આટલું મહત્વનું પદ આપીને વિધાનસભાની જૂની પરંપરાઓ તોડી છે અને રાજકીય સંતુલન બગાડ્યું છે.

કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો, 16 જૂને આગામી સુનાવણી

ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં આ હાઈપ્રોફાઈલ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સ્પીકરના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની TMCની માંગણી સ્વીકારી નહોતી અને કોઈ સ્ટે ઓર્ડર જાહેર કર્યો નથી.

અદાલતના આ વલણથી સ્પષ્ટ છે કે હાલ પૂરતો વિપક્ષના નેતાનો તાજ ઋતબ્રત બેનર્જીના માથા પર જ રહેશે. જોકે, આ કાનૂની લડાઈ હજુ પૂરી થઈ નથી. હાઈકોર્ટે આગામી સુનાવણીની તારીખ ૧૬ જૂન નક્કી કરી છે. તે દિવસે બંને પક્ષોની વધુ દલીલો વિગતવાર સાંભળવામાં આવશે અને ત્યારબાદ જ કોર્ટ કોઈ અંતિમ અને મોટો ફેંસલો સંભળાવશે.

આ પણ વાંચોઃ ડૉક્ટરોએ એક વર્ષની બાળકીને આપ્યું નવું જીવનદાન, દુર્લભ જન્મજાત બિમારીની કરી સર્જરી

આ પણ વાંચોઃ શાળા ખુલતા વાલીઓ પર મોંઘવારીનો માર: ચોપડા સહિતની સ્ટેશનરી 10થી 25% મોંઘી થઈ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button