ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છ: હોટલના સાઇનબોર્ડમાં ચોરખાનું: 151 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, હોટલ સંચાલક ફરાર

સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) દ્વારા નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના નિર્દેશ હેઠળ જિલ્લામાં દારૂ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાનીમાં ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સામખીયારીથી ભચાઉ તરફ જતા હાઇવે પર આવેલી “દેશી તડકા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ” ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલની છત ઉપર લગાવવામાં આવેલા મોટા સાઇનબોર્ડમાં ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ગેરકાયદેસર રીતે છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 151 બોટલ વિદેશી દારૂ અને બિયર, 2 મોબાઇલ ફોન સહિત અંદાજે રૂ. 1,15,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બે આરોપી ઝડપાયા, સંચાલક ફરાર

આ કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

1. છોટુકુમાર વિનોદ સાવ (ઉંમર 21 વર્ષ), રહે. ઝારખંડ
2. અમ્રીતપાલસિંહ જગતારસિંહ (ઉંમર 25 વર્ષ), રહે. પંજાબ

જ્યારે હોટલના સંચાલક/માલિક દોજી પંજાબીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ અંગે સામખીયારી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમા, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

જિલ્લામાં પ્રોહીબીશન કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા આવી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, તેવી માહિતી પોલીસ સૂત્રોએ આપી છે.

આ પણ વાંચો: જુનાગઢ: કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, 5 સામે ફરિયાદ

Back to top button