ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જુનાગઢ: કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, 5 સામે ફરિયાદ

જુનાગઢ: વિવાદાસ્પદ સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર કીર્તિ પટેલ અને તેના સાથીઓ પર વધુ એક કેસ નોંધાયો છે. જુનાગઢમાં રહેતા યુટ્યુબર અબઝલ સીડાએ કીર્તિ પટેલ અને તેના સાથીઓના ત્રાસ અને ધમકીઓને કારણે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના 20 ફેબ્રુઆરી 2026ની સાંજે બની, જેમાં અબઝલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો અને હાલ તેની સારવાર ચાલુ છે. અબઝલે હોસ્પિટલમાંથી જ પોલીસને સ્ટેટમેન્ટ આપીને કીર્તિ પટેલ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો અનુસાર, આ વિવાદ મહાશિવરાત્રિ મેળાના વીડિયોને લઈને શરૂ થયો હતો. કીર્તિ પટેલે મૃગીકુંડ પરની ઘટના અને મહાશિવરાત્રિ મેળા વિશે વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યા હતા. તેના વિરોધમાં અબઝલ સીડાએ પોતાના યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યા, જેમાં તેણે સાધુઓ અને સનાતન ધર્મ વિરુદ્ધની કથિત ટિપ્પણીઓનો વિરોધ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હતા.

ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી

ત્યારબાદ કીર્તિ અને તેના સાથીઓ દિવ્યા સાવલાણી (જુનાગઢ), જસપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ), હનુ રણાભાઈ ચાવડા (સુરત) અને વિરમ ચોથાભાઈ મેવાડા (સુરત)એ અબઝલને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કોલ કરીને ધમકીઓ આપી રહ્યા હતા. તેઓએ 20 લાખની ખંડણી માંગી, વીડિયો ડિલીટ કરવા કહ્યું, ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી અને તેના ઘરે આવીને ઝઘડો કરવાની વાત કરી.

બે વાર ફિનાઈલ પીધુ

20 ફેબ્રુઆરીની સાંજે એક કોન્ફરન્સ કોલ દરમિયાન ફરી ધમકીઓ આપવામાં આવી, જેના કારણે અબઝલ તૂટી ગયો અને પહેલા પોતાના ઘરે ફિનાઈલ પી લીધું. ત્યારબાદ તે જેતપુર-નવાગઢમાં ભદાર નદીના રેલ્વે બ્રિજ પાસે પહોંચ્યો અને ફરી ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દરમિયાન એક મહિલા પસાર થઈ રહી હતી તેણે અબઝલને જોયો અને 108 ઈમર્જન્સી સર્વિસને જાણ કરી ત્યારબાદ અબઝલને જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. હોસ્પિટલમાંથી તેણે તમામ આરોપીઓના નામ આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસે કીર્તિ પટેલ અને તેના ચાર સાથીઓ વિરુદ્ધ ત્રાસ, ધમકી અને ખંડણીના આરોપ હેઠળ FIR નોંધી છે. તપાસમાં મોબાઈલ લોકેશન ડેટા અને વોટ્સએપ કોલ રેકોર્ડ્સ તપાસવામાં આવી રહ્યા છે. વધુ પુરાવા મળતાં અન્ય કલમો ઉમેરાઈ શકે છે. આ કીર્તિ પટેલ વિરુદ્ધ જુનાગઢમાં છેલ્લા સાત દિવસમાં ત્રીજી ફરિયાદ છે.

કીર્તિ પટેલનું બેકગ્રાઉન્ડ

કીર્તિ પટેલ ગુજરાતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પર્સનાલિટી છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અગાઉ હનીટ્રેપ, એક્સ્ટોર્શન અને બ્લેકમેઈલના કેસમાં અરેસ્ટ થઈ ચૂકી છે. તેના વિરુદ્ધ અનેક FIR નોંધાયેલી છે, જેમાં ઓનલાઈન ત્રાસ, ધમકી અને અભદ્ર વીડિયો અપલોડ કરવાના આરોપ છે. તે મૂળ સુરેન્દ્રનગરની છે અને સુરતમાં રહે છે, પરંતુ તેની પ્રવૃત્તિઓને કારણે તે અનેક વિવાદોમાં ફસાયેલી રહે છે. હાલમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો: Surat: તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં મોટો વળાંક, ‘મહિલામિત્ર’એ મરવા મજબુર કર્યો હોવાની ફરિયાદ

Back to top button