Puri Rathyatra 2026: 19 IPS અધિકારીઓ અને 12 હજાર પોલીસ સાથે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા

Puri Rathyatra 2026: વિશ્વવિખ્યાત પુરી જગન્નાથ રથયાત્રા 2026ને લઈને ઓડિશા સરકારે આ વખતે સુરક્ષાની અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. ગત વર્ષે ભીડના કારણે સર્જાયેલી અવ્યવસ્થા અને જાનહાનિમાંથી પાઠ શીખીને રાજ્ય સરકારે સમગ્ર આયોજનને વધુ મજબૂત બનાવ્યું છે. આ વર્ષે 19 વરિષ્ઠ IPS અધિકારીઓ, લગભગ 12,000 પોલીસકર્મીઓ અને 100થી વધુ વહીવટી અધિકારીઓને રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
16 જુલાઈથી શરૂ થનારી નવ દિવસીય રથયાત્રામાં દેશ-વિદેશમાંથી અંદાજે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પુરી પહોંચે તેવી શક્યતા છે. લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથને ગુન્ડિચા મંદિર સુધી ખેંચવામાં ભાગ લેશે. આ વિશાળ માનવમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
500 CCTV, ઈમરજન્સી હોસ્પિટલ અને વિશેષ સુવિધાઓ
રથયાત્રા દરમિયાન દરેક હલચલ પર નજર રાખવા માટે લગભગ 500 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અનેક ઇમરજન્સી ઇવેક્યુએશન કોરિડોર, આઠ અસ્થાયી હોસ્પિટલો, હજારો સ્વયંસેવકો, દિવ્યાંગો અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા તેમજ લગભગ 17,000થી વધુ મોબાઇલ ટોઇલેટ્સ ઉભા કરવામાં આવ્યા છે.
VIP સુરક્ષા અને ટ્રાફિક પર વિશેષ નજર
વરિષ્ઠ IPS અધિકારીઓને ટ્રાફિક નિયંત્રણ, VIP મૂવમેન્ટ, કોર્ડન મેનેજમેન્ટ અને ધાર્મિક વિધિઓના સુચારૂ આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે.
ગત વર્ષની ભૂલો ફરી ન થાય તે માટે ખાસ આયોજન
ગત વર્ષની રથયાત્રા દરમિયાન સર્જાયેલી ભીડ અને અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તમામ વિભાગોને સુમેળ સાથે કામ કરવા અને કોઈપણ પ્રકારની સંચાર વ્યવસ્થામાં ખલેલ ન પડે તેની ખાસ સૂચના આપી છે. ઉપરાંત ભારતીય નૌસેના, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા દળોને પણ સતર્ક રાખવામાં આવ્યા છે.












