ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભોજશાળા મામલે સુપ્રીમનો મોટો નિર્ણય: પરિસરમાં નમાજની મંજૂરી નહીં, ASIને માળખામાં ફેરફાર ન કરવાનો આદેશ

Bhojshala: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા પરિસરને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ અંતરિમ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલ ભોજશાળા પરિસરમાં શુક્રવારની નમાજની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને પણ પરિસરમાં કોઈપણ પ્રકારના માળખાકીય (Structural) ફેરફાર ન કરવા નિર્દેશ આપ્યો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ મોહનાની બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ, મધ્યપ્રદેશ સરકાર, જિલ્લા કલેક્ટર (DM) અને ASIને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. હવે આ મામલે જુલાઈના ત્રીજા સપ્તાહમાં ફરી સુનાવણી હાથ ધરાશે.

નમાજ માટે વૈકલ્પિક સ્થળનો પ્રસ્તાવ

સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે છેલ્લા લગભગ 40 વર્ષથી દર શુક્રવારે ભોજશાળા પરિસરમાં નમાજ અદા કરવામાં આવતી હતી, પરંતુ હવે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પક્ષે અગાઉની સ્થિતિ ફરીથી બહાલ કરવાની માંગ કરી હતી.

તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ભોજશાળા પરિસરમાં નમાજની મંજૂરી આપી શકાશે નહીં. જોકે રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું કે દર શુક્રવારે બપોરે 1થી 3 વાગ્યા વચ્ચે નજીકમાં કોઈ વૈકલ્પિક સ્થળ પર નમાજની વ્યવસ્થા કરવામાં આવે.

ASIને સ્પષ્ટ સૂચના

સુપ્રીમ કોર્ટે ASIને આદેશ આપ્યો કે કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભોજશાળા પરિસરમાં કોઈપણ પ્રકારનું નવું બાંધકામ, તોડફોડ અથવા માળખાકીય ફેરફાર કરવામાં આવશે નહિ. આથી હાલની સ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટના એક આદેશ પર પણ સવાલ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે આદેશ પર પણ સવાલ ઉઠાવ્યો, જેમાં લંડનના મ્યુઝિયમમાંથી દેવી વાગ્દેવી (સરસ્વતી)ની મૂર્તિ ભારત પરત લાવવા અંગે નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ જોયમાલા બાગચીએ પૂછ્યું કે કોઈ બંધારણીય અદાલત આ પ્રકારનો આદેશ કેવી રીતે આપી શકે? કોર્ટે આ મુદ્દે પણ વિગતવાર જવાબ માંગ્યો છે.

હાઈકોર્ટના નિર્ણય પર હાલ કોઈ રોક નહીં

સુપ્રીમ કોર્ટે હાલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના અંતિમ નિર્ણય પર કોઈ સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. એટલે હાઈકોર્ટનો આદેશ હાલ યથાવત રહેશે. આગામી સુનાવણીમાં તમામ પક્ષોના જવાબ બાદ કેસની વધુ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી, સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાની ના પાડી
Back to top button