સેલ્ફી અને ફોટોનો ક્રેઝ ભારે પડ્યો, માતા-પિતા અને બાળક નદીના તેજ પ્રવાહમાં તણાયા, રૂવાડા ઉભા કરી દેતો Video

Selfie Craze: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસી સ્થળ મણિકરણ સાહિબમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પંજાબથી ગુરુદ્વારા શ્રી મણિકરણ સાહિબના દર્શને આવેલો એક પ્રવાસી પરિવાર ફોટોગ્રાફી અને સેલ્ફીના ચક્કરમાં પાર્વતી નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. જોકે, સદનસીબે સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓની સતર્કતા તથા સમયસૂચકતાને કારણે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
માહિતી અનુસાર, પંજાબથી આવેલો આ પરિવાર મણિકરણમાં ફરતી વખતે પાર્વતી નદીના કિનારે પહોંચ્યો હતો. પરિવારના સભ્યો નદીની નજીક ઉભા રહીને ફોટા પડાવી રહ્યા હતા. આ દરમિયાન વધુ સારો ફોટો અને બેકગ્રાઉન્ડ મેળવવાની લ્હાયમાં તેઓ નદીની લહેરોની ખૂબ જ નજીક ચાલ્યા ગયા હતા.
ફોટો લેતા-લેતા નદીમાં ખાબક્યો આખો પરિવાર
પહાડી વિસ્તારોમાં નદી કિનારે આવેલા પથ્થરો પર ભેજ અને લીલ (કાઈ) ને કારણે ખૂબ જ લપસણું વાતાવરણ હોય છે. પ્રવાસી પરિવાર જ્યારે ફોટો પડાવવામાં મશગૂલ હતો, ત્યારે અચાનક પથ્થર પરથી પગ લપસી જતાં તેમનું સંતુલન બગડ્યું હતું અને પરિવારના ત્રણેય સભ્યો – જેમાં માતા, પિતા અને એક નાનું બાળક સામેલ હતા, તેઓ સીધા નદીના તેજ પ્રવાહમાં જઈ પડ્યા હતા.
પરિવારને પાણીમાં તણાતો જોઈને કિનારે ઉભેલા લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસ હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો તરત જ જીવના જોખમે તેમની મદદ માટે દોડ્યા હતા.
બાંધકામને કારણે પાણી ઓછું હોવાથી જીવ બચ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાહતની વાત એ હતી કે આ દિવસોમાં નદીના વિસ્તારમાં કંઈક બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે પાણીનો પ્રવાહ સામાન્ય દિવસો કરતા થોડો ઓછો હતો. આ જ કારણસર બચાવ કામગીરીમાં મોટી મદદ મળી હતી અને ત્રણેય પ્રવાસીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો નદી તેના સામાન્ય ઉફાન પર હોત, તો આ અકસ્માત અત્યંત ગંભીર અને દર્દનાક સાબિત થઈ શક્યો હોત.
પ્રશાસનની પ્રવાસીઓને ખાસ અપીલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની બેદરકારીને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રશાસને પ્રવાસીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ નદી-નાળા અને તેજ પ્રવાહ વાળા વિસ્તારોની નજીક જઈને સેલ્ફી લેવા કે વીડિયો બનાવવાનું સાહસ ન કરે. પહાડોમાં હવામાન અને પાણીનો પ્રવાહ ગમે ત્યારે અચાનક બદલાઈ શકે છે, જે જીવલેણ સાબિત થાય છે.
આ પણ વાંચોઃ CMનો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય, 11 જૂનથી નર્મદા નહેરોમાં સિંચાઈ માટે પાણી છોડાશે
આ પણ વાંચોઃ બોયફ્રેન્ડને પાછો લાવવાના નામે ખેલ ખેલાયો! યુવતી પાસેથી રોકડ અને દાગીના મળી ₹4 લાખની છેતરપિંડી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












