ટ્રેન્ડિંગધર્મ

કરવા ચોથ 2026: પૂજા માટે મળશે 1 કલાક 18 મિનિટનો શુભ મુહૂર્ત, જાણી લો ચંદ્ર દર્શનનો સમય

Karwa Chauth 2026 Date Puja Muhurat :  કરવા ચોથનું વ્રત સૌભાગ્યવતી મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે નિર્જળા વ્રત રાખે છે. સવારે સરગી ખાધા પછી વ્રતની શરૂઆત થાય છે અને સાંજે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કરવા માતાની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાના દર્શન અને અર્ઘ્ય આપ્યા બાદ વ્રત ખોલવામાં આવે છે. વર્ષ 2026 માં કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર, ગુરુવારના રોજ રાખવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કરવા ચોથ 2026 પૂજાનો શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, કરવા ચોથ પર પૂજા માટે સાંજનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. 29 ઓક્ટોબર 2026 ના રોજ દિલ્હીના સમય મુજબ પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 5:38 થી 6:56 વાગ્યા સુધી રહેશે. આ રીતે પૂજા માટે કુલ 1 કલાક અને 18 મિનિટનો સમય મળશે. અલગ-અલગ શહેરોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને સ્થાનિક પંચાંગના આધારે મુહૂર્તમાં થોડો તફાવત હોઈ શકે છે, તેથી તમારા શહેરના સમય મુજબ પૂજા અવશ્ય કરવી.

આ દરમિયાન મહિલાઓ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરે છે, કરવા ચોથની વ્રત કથા સાંભળે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

આ પણ વાંચોઃ તાંબા, પીતળ કે ચાંદી… ધનતેરસ પર ક્યા વાસણ ખરીદવા છે શુભ?

ચતુર્થી તિથિ ક્યારે શરૂ થશે?

પંચાંગ અનુસાર, કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે 1:06 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 10:09 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્ર્યોદયના સમયે ચતુર્થી તિથિ હોવાના કારણે કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબરે જ રાખવામાં આવશે.

કરવા ચોથ પર ક્યારે નીકળશે ચંદ્ર?

કરવા ચોથ પર ચંદ્રમાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. 29 ઓક્ટોબરે દિલ્હીમાં ચંદ્ર્યોદય રાત્રે 8:12 થી 8:17 વાગ્યાની વચ્ચે થવાનો અંદાજ છે. અન્ય શહેરોમાં ચંદ્ર નીકળવાનો સમય અલગ હોઈ શકે છે; ઉદાહરણ તરીકે લખનૌમાં રાત્રે 8:06 અને મુંબઈમાં રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ચંદ્ર દર્શન થવાની સંભાવના છે.

ચંદ્રના દર્શન કર્યા પછી મહિલાઓ તેને અર્ઘ્ય આપે છે અને ચાળણી દ્વારા ચંદ્ર તથા પતિના દર્શન કરીને પતિના હાથે જળ પીને પોતાનું વ્રત પૂર્ણ કરે છે.

સરગીનું મહત્વ અને પૂજાના નિયમો

કરવા ચોથની પરંપરાગત શરૂઆત સવારની ‘સરગી’થી થાય છે. પરંપરા મુજબ સાસુ પોતાની વહુને સરગી આપે છે, જેમાં ફળ, મીઠાઈ, સૂકા મેવા અને ખાવા-પીવાની ચીજો સામેલ હોય છે. મહિલાઓ સૂર્યોદય પહેલા સરગી ખાઈને આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે.

સાંજે સોળ શ્રૃંગાર કરીને મહિલાઓ ભેગા મળીને કથા સાંભળે છે અને વ્રત સંબંધિત તમામ વિધિઓ પૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ બ્રેડ અને રોટલી વધુ શેકવાથી થાય છે કાળી, શું તેને ખાવાથી થઈ શકે છે કેન્સર?

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Back to top button