
Mallikarjun Khadge Controversial Remark PM Modi Father: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પટના ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલા અત્યંત વિવાદાસ્પદ નિવેદન “બાપ પણ જશે” ના કારણે દેશના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદન સામે ભાજપે મોરચો માંડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ ખડગેના વલણની આકરા શબ્દોમાં ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે વારંવારની હારથી નિરાશ થયેલી કોંગ્રેસ પાસે હવે માત્ર ગાળાગાળી અને અપશબ્દોનું જ રાજકારણ બાકી રહ્યું છે.
“કોંગ્રેસે શિષ્ટાચારની તમામ સીમાઓ ઓળંગી”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેએ પટના ખાતે પીએમ મોદીના પરિવાર અને તેમના સ્વર્ગસ્થ પિતા વિશે અત્યંત નીચલા સ્તરની ટિપ્પણી કરીને જાહેર જીવનમાં શિષ્ટાચારની તમામ મર્યાદાઓ તોડી નાખી છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે અગાઉ પણ પીએમ માટે “મોતનો સોદાગર” અને “ચાવાળો” જેવા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા 12 વર્ષથી સતત મળતી હારના કારણે કોંગ્રેસ એટલી હતાશ થઈ ગઈ છે કે તેની પાસે નીતિઓ કે મુદ્દાઓ બચ્યા નથી.
સીએમ યોગીએ માફીની માંગ કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિવાદાસ્પદ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરતાં કોંગ્રેસ પાર્ટી પાસે દેશ સમક્ષ માફી માંગવાની માંગ કરી છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા વિરુદ્ધ કરવામાં આવેલી આવી અભદ્ર ટિપ્પણી અક્ષમ્ય અને અત્યંત નિંદનીય છે. ખડગેનું આ કૃત્ય 1.45 અબજ દેશવાસીઓની ભાવનાઓનું અપમાન કરે છે. ભારતીય લોકશાહીને શરમજનક બનાવતા આ નિવેદન બદલ કોંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક પોતાના પ્રમુખ સામે પગલાં લેવા જોઈએ.
“રાજકીય ખુશામત અને માનસિક નાદારી”
બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને જણાવ્યું હતું કે જાહેર મંચ પરથી બિનસંસદીય ભાષાનો ઉપયોગ કોંગ્રેસની વૈચારિક નાદારી દર્શાવે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિંદા કરતાં કહ્યું કે નીતિઓના આધારે સ્પર્ધા કરવામાં અસમર્થ કોંગ્રેસ હવે વ્યક્તિગત અપમાનનો આશરો લઈ રહી છે. જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે આકરો પ્રહાર કરતાં કહ્યું કે પોતાના માલિકોની ચાપલુસી અને રાજકીય ખુશામતમાં કોંગ્રેસી નેતાઓ એટલા નીચે ગબડી ગયા છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા સામે ટિપ્પણીઓ કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું હતો આખો મામલો?
સમગ્ર વિવાદની વિગત એવી છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પટનાના પ્રવાસે હતા. જ્યાં તેઓ પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139 મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ખડગે SIR મુદ્દે બોલી રહ્યા હતા અને તેમણે કહ્યું કે SIR માં ખલેલ પાડનારાઓને જેલમાં મોકલવામાં આવશે. આ દરમિયાન સભામાંથી એક વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું કે, “મોદી નહીં જાય.” જેના જવાબમાં ઉશ્કેરાઈને મલ્લિકાર્જુન ખડગેએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “મોદીના પિતા પણ જશે.” આ નિવેદન વાયરલ થતાં જ દેશભરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: ઓપરેશન ટ્રાઇડેન્ટ’ દ્વારા મોદી સરકારનો પ્રહાર… અમિત શાહે કહ્યું- આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક થયું ધ્વસ્ત












