બોયફ્રેન્ડને પાછો લાવવાના નામે ખેલ ખેલાયો! યુવતી પાસેથી રોકડ અને દાગીના મળી ₹4 લાખની છેતરપિંડી

Vadodara tantra fraud: સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધો કે અન્ય અંગત સમસ્યાઓનો ઉકેલ તંત્ર-મંત્ર દ્વારા લાવી આપવાનો દાવો કરતા લેભાગુ તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આવો જ એક કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ભૂતપૂર્વ પ્રેમીને જીવનમાં પાછો મેળવવાની ચાહતમાં એક 28 વર્ષીય યુવતી અંધશ્રદ્ધાનો ભોગ બની છે. ભરૂચના એક યુવકે તાંત્રિક વિધિના નામે ભુવાને પૈસા આપવાના બહાને યુવતી પાસેથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ ₹4.02 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ છે.
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી જાળ બિછાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં રહેતી યુવતીને સપ્ટેમ્બર-2025 દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર જયંત વસાવા નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સોશિયલ મીડિયા પર એકાદ મહિનો વાતચીત ચાલ્યા બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેશલુ ગામના નિશાળ ફળિયામાં રહેતા જયંત પ્રવીણભાઈ વસાવા સાથે યુવતીએ વડોદરામાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જયંતે પોતાની ઓળખ એક ખાનગી બેંકના ફાઇનાન્સર તરીકે આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બ્રેકઅપની વાત સાંભળીને આચરી છેતરપિંડી
વાતચીત દરમિયાન યુવતીએ તેના અગાઉના પ્રેમ સંબંધ અને બ્રેકઅપ અંગેની પીડા જયંત સમક્ષ વ્યક્ત કરી હતી. આ વાતનો ગેરલાભ ઉઠાવીને જયંતે યુવતીને વિશ્વાસમાં લીધી કે તેના સંપર્કમાં એક એવો ચમત્કારી ભુવો છે, જે ખાસ તંત્ર-મંત્રની સાધના અને વિધિ કરીને તેના ભૂતપૂર્વ પ્રેમીને ફરીથી તેના જીવનમાં પરત લાવી દેશે.
યુવકની વાતોમાં આવી ગયેલી યુવતીએ વિધિના ખર્ચ પેટે શરૂઆતમાં ₹30,000 રોકડા ચૂકવી દીધા હતા. એટલું જ નહીં, આરોપીએ વધુ નાણાંની જરૂરિયાત ઊભી કરીને યુવતીના મોબાઈલમાં લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ₹6,000ની ઓનલાઈન લોન લેવડાવી હતી, અને યુવતીની જાણ બહાર આ રકમ ગૂગલ પે (Google Pay) દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.
દાગીના ગીરવે મુકાવી હોટલમાં બોલાવી
ત્યારબાદ વધુ વિધિ કરવાના બહાને આરોપીએ યુવતીને સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં બોલાવી હતી. યુવતીએ પોતાની પાસે વધુ નાણાં ન હોવાનું જણાવતા, શાતિર આરોપીએ તેને ઘરના સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકીને વિધિનો ખર્ચ ઉપાડવાની સલાહ આપી હતી. વિધિ પૂરી થતાં જ તમામ દાગીના હેમખેમ પરત કરી દેવાની ખાતરી પણ આપી હતી.
આરોપીના માયાવી જાળમાં ફસાયેલી યુવતીએ પોતાના સોનાની બુટ્ટી, ચેઈન, કડીઓ, વીંટી, પેન્ડલ તેમજ ચાંદીના કડા, કંદોરો અને ચેઈન સહિતના કિંમતી ઘરેણાં તેને સોંપી દીધા હતા. આમ, રોકડ અને દાગીના મળીને કુલ ₹4.02 લાખની મતા આરોપીએ ઓળવી લીધી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
લાંબો સમય વીતી જવા છતાં ન તો યુવતીનો પ્રેમી પાછો આવ્યો, ન તો આરોપીએ દાગીના કે રોકડા રૂપિયા પરત કર્યા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ યુવતીએ આખરે સયાજીગંજ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે જયંત વસાવા વિરૂદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.












