અમેરિકી મીડિયા સામે પાયલટ ફેડરેશન નારાજઃ માફી માગો અથવા બદનક્ષી કેસનો સામનો કરવાની આપી ચીમકી

નવી દિલ્હી, તા. 19 જુલાઈ, 2025: 12 જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેનો પ્રાથમિક રિપોર્ટ થોડા દિવસ પહેલા આવ્યો હતો. જેમાં પાયલટ્સે ફ્યુલ સ્વીચ બંધ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અંગેનો રિપોર્ટ વિદેશી મીડિયામાં પ્રસિદ્ધ થયો હતો. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સએ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ પર એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાના પ્રારંભિક તપાસ રિપોર્ટ અંગે ભ્રામક સમાચાર પ્રસારિત કરવાનો આરોપ લગાવીને આ બંને મીડિયા સંસ્થાઓને કાનૂની નોટિસ ફટકારી છે. FIP પ્રમુખ કેપ્ટન સીએસ રંધાવાએ શનિવાર (19 જુલાઈ, 2025) ના રોજ જણાવ્યું હતું કે આ રિપોર્ટ્સનો કોઈ તથ્યપૂર્ણ આધાર નથી અને તેનાથી પાયલોટ્સની છબીને નુકસાન થયું છે. AI-171 વિમાન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોના જીવ ગયા હતા. આ મામલાની તપાસ ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરી રહી છે.
કેપ્ટન રંધાવાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સંપૂર્ણપણે WSJ ને જવાબદાર ઠેરવું છું. તેઓ પોતાની રીતે નિષ્કર્ષ કાઢે છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવી દે છે. શું તેઓ કોઈ તપાસ એજન્સી છે? જ્યારે રિપોર્ટમાં આવું કંઈ લખાયું નથી તો તેઓ કેવી રીતે પોતે જ તારણો કાઢી શકે? તેમણે એમ પણ કહ્યું કે રિપોર્ટ પાયલોટ્સને ખોટી રીતે દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે પ્રારંભિક રિપોર્ટમાં આવો કોઈ નિષ્કર્ષ નથી.

FIP એ WSJ અને રોઇટર્સ પાસેથી જાહેરમાં માફી માંગવા અને તેમની રિપોર્ટિંગ વિશે સ્પષ્ટતા આપવાની માંગ કરી હતી. કેપ્ટન રંધાવાએ કહ્યું, અમે સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ માફી નહીં માંગે અને સ્પષ્ટતા નહીં આપે તો અમે વધુ કાનૂની કાર્યવાહી કરીશું.
NTSB એ પણ વાંધો ઉઠાવ્યો
અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના ચેરવુમન જેનિફર હોમેન્ડીએ પણ મીડિયામાં જારી કરાયેલા રિપોર્ટ્સને ઉતાવળભર્યો અને અનુમાન આધારિત ગણાવ્યા હતો. તેમણે કહ્યું કે આવી મોટી તપાસ પ્રક્રિયામાં સમય લાગે છે અને બધાએ AAIB ની સત્તાવાર તપાસના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. FIP પ્રમુખે NTSB ના આ નિવેદનનું સ્વાગત કરતા કહ્યું કે તેનાથી ભારતીય પાયલોટ્સ પર લગાવવામાં આવી રહેલા નિરાધાર આરોપો પર વિરામ લાગશે.












