અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: સમય વીતી ગયો, પરંતુ પીડા હજુ પણ જીવંત

Ahmedabad Plane Crash Anniversary: તારીખ 12 જૂન, 2025…… એ દિવસ પણ અન્ય દિવસો જેવો જ શરૂ થયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેર ધીમે ધીમે પોતાની રોજિંદી ગતિમાં ધબકી રહ્યું હતું. સવારથી જ રસ્તાઓ પર સામાન્ય અવરજવર જોવા મળતી હતી, દુકાનો ખુલવા લાગી હતી અને શહેરની રફ્તાર પણ ધીમે ધીમે પકડાઈ રહી હતી. પરંતુ આ શાંતિ લાંબી ટકી નહોતી. આ તો માત્ર એક એવી નિર્ભય શાંતિ હતી, જે કોઈ અજાણ્યા અને ભયાનક તોફાન પહેલાં છવાયેલી હોય. કોઈને અંદાજ પણ નહોતો કે થોડા જ કલાકોમાં આ સામાન્ય લાગતો દિવસ એક એવી દુર્ઘટનામાં ફેરવાઈ જશે, જે માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય તેવી કાળી યાદ બની રહેશે.
12 જૂન, 2025… ગુરુવારનો એ સામાન્ય લાગતો દિવસ, થોડા જ પળોમાં અવિશ્વસનીય ઘટનાનો સાક્ષી બનવાનો હતો — એવી ઘટના, જેણે અનેક જિંદગીઓ, સપનાઓ અને ભવિષ્યને એક જ ક્ષણમાં સદાકાળ માટે બદલી નાખ્યું.
બપોરના સમયે લગભગ 12 વાગ્યા પછી શહેરની બીજે મેડિકલ કોલેજ (BJ Medical College)ની અતુલ્યમ હોસ્ટેલની મેસમાં જમવાની તૈયારીઓ ચાલી રહી હતી. રસોડામાં કૂક વિદ્યાર્થીઓ માટે તાજી અને ગરમ ફુલકા રોટલીઓ બનાવી રહ્યો હતો. એક પછી એક રોટલીઓનો થપ્પો તૈયાર થઈ રહ્યો હતો. બાજુમાં શેકેલા પાપડ ગોઠવાયેલા હતા અને પ્લેટફોર્મ પર સોસની બોટલો પણ મુકાયેલી હતી. મેસના કર્મચારીઓ માટે આ એક સામાન્ય દિવસ હતો. તેઓ વિદ્યાર્થીઓના જમવાના સમયની રાહ જોઈ રહ્યા હતા.
બપોરે લગભગ 1:30 વાગ્યે મેડિકલ સ્ટુડન્ટ મેસમાં આવવા લાગ્યા. કોઈ મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો, કોઈ મોબાઇલમાં વ્યસ્ત હતો તો કોઈ લાંબા અભ્યાસ બાદ ભૂખ સંતોષવા માટે ટેબલ પર બેઠો હતો. ભવિષ્યમાં ડૉક્ટર બની હજારો દર્દીઓનું જીવન બચાવવાના સપના જોનારા આ યુવાનોને ખબર નહોતી કે જીવનની ઘડિયાળ તેમની માટે હવે થંભી જવાની છે. તે જ સમયે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરના બરાબર 1:38 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 લંડન જવા માટે ટેક ઓફ થઈ. વિમાન હજુ તો એરપોર્ટથી થોડે દૂર જ પહોંચ્યુ હતું ત્યાં જ ગણતરીના પળોમાં જ પરિસ્થિતિ ભયાનક બની ગઈ હતી.
બપોરે લગભગ 1:40 વાગ્યે અચાનક જ વિમાનનું નિયંત્રણ ખોરવાયું અને તે એરપોર્ટથી નજીકમાં જ આવેલી BJ મેડિકલ કોલેજની અતુલ્યમ હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. પળવારમાં જ સમગ્ર વિસ્તાર ધડાકા અને આગની જ્વાળાઓથી ધ્રૂજી ઉઠ્યો. જે વિદ્યાર્થીઓ થોડા સમય પહેલાં જમવા માટે બેઠા હતા, તેમાંથી કેટલાકને બચવાની તક પણ મળી નહીં. મેસમાં પીરસાવા તૈયાર થયેલી રોટલીઓ, પાપડ અને સોસની બોટલો ત્યાં જ પડી રહી ગઈ, પરંતુ હવે તેને માંગનાર કોઈ રહ્યું નહોતું.
જે હાથોમાં ભવિષ્યમાં સ્ટેથોસ્કોપ આવવાનું હતું, જે યુવાનોને સમાજ ‘ભગવાન સમાન ડૉક્ટર’ તરીકે ઓળખવાનો હતો, તેમાંથી અનેક સપનાઓ એક પળમાં ખાખ થઈ ગયા. ચાર યુવા મેડિકલ વિદ્યાર્થીઓ સહિત અનેક નિર્દોષ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા. મેસના ટેબલ પર અધૂરા રહી ગયેલા ભોજન અને ખાલી પડેલી ખુરશીઓ આજે પણ તે કાળમુખા દિવસની સાક્ષી બની ઉભી છે. આ દુર્ઘટનાએ માત્ર પરિવારોને જ નહીં, પરંતુ સમગ્ર મેડિકલ સમુદાયને આઘાતમાં મૂકી દીધો હતો. પોતાના સંતાનોને ડૉક્ટર બનતા જોવાના માતા-પિતાના સપનાઓ એક જ ક્ષણમાં તૂટી પડ્યા. મિત્રોએ પોતાના સાથીઓને તો શિક્ષકોએ પોતાના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુમાવ્યા હતા.
આજે (12 જૂન, 2026) આ ભયાનક દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સમય આગળ વધી ગયો છે, પરંતુ આ ઘટનાની યાદો હજુ પણ તાજી છે. ઘટનાસ્થળે સંભળાયેલી ચીસો, આગની જ્વાળાઓ, બચાવ માટેની દોડધામ અને સ્વજનોની વ્યથા આજે પણ લોકોના મનમાંથી હજુપણ ભૂંસાઈ નથી. આ દુર્ઘટનામાં કુલ 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમના પરિવારો માટે 12 જૂન માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવો દિવસ છે જે દર વર્ષે તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં અસહ્ય પીડા લઈને આવશે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ તે ઘા સંપૂર્ણપણે રૂઝાયા નથી. કેટલાક ઘા એવા હોય છે, જે સમય સાથે ઝાંખા તો પડે છે, પરંતુ ક્યારેય ભરાતા નથી.
આજે, દુર્ઘટનાની પહેલી વરસી નિમિત્તે સમગ્ર દેશ તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સાથે જ તેમના અધૂરા સપનાઓ, તેમના સંઘર્ષ અને તેમની યાદોને નમન કરી રહ્યો છે. 12 જૂન, 2025ની એ કાળમુખી બપોર ઈતિહાસના પાનાંઓમાં એક એવી દુઃખદ ઘટના તરીકે હંમેશા યાદ રહેશે, જેને કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં.
એક વર્ષ પછી પણ સમય જાણે અહીં અટકી ગયો હોય એવું લાગે છે…
અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ ઘટનાસ્થળે પહોંચતા આજે પણ એવું અનુભવાય છે કે જાણે 12 જૂન, 2025ની એ કાળમુખી બપોર હજુ પૂરી જ થઈ નથી. હમ દેખેંગે ન્યુઝની ટીમ જ્યારે પ્લેન ક્રેશ સાઇટ પર પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને સ્પષ્ટ થતું હતું કે આ દુર્ઘટનાના નિશાન માત્ર ઈમારતો પર જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને ત્યાં રહેતા લોકોના મન પર પણ કાયમ માટે કોતરાઈ ગયા છે.
સાઇટના પ્રવેશદ્વારથી જ સુરક્ષા કર્મચારીઓ તૈનાત જોવા મળ્યા છે. ત્રણ શિફ્ટમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ આજે પણ કોઈ બિનઅધિકૃત વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે તેની દેખરેખ રાખે છે. અંદર પ્રવેશતા જ અતુલ્યમ હોસ્ટેલના તૂટેલા બ્લોક્સ નજરે પડે છે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં તૂટેલી બારીઓ, ઉખડેલા દરવાજા અને ક્ષતિગ્રસ્ત દિવાલો આજે પણ એ જ હાલતમાં ઉભી છે. જાણે આ ઇમારતો હજુ પણ તે ભયાનક દિવસની સાક્ષી બનીને મૌન ચીસો પાડી રહી હોય.
હોસ્ટેલ પરિસરમાં અનેક જગ્યાએ પ્લેન અને હોસ્ટેલના કાટમાળના મોટા ઢગલા જોવા મળે છે. ચોમાસાના વરસાદે પરિસરને સાફ કરી દીધું છે, પરંતુ દુર્ઘટનાના ઘા હજુ પણ સ્પષ્ટ દેખાય છે. એક સમયે આગની જ્વાળાઓમાં સળગી ગયેલા વૃક્ષો હવે ફરી હરિયાળા બનવા લાગ્યા છે. બળી ગયેલા થડમાંથી નવા પાંદડા ફૂટ્યા છે, પરંતુ આ હરિયાળી પણ તે દિવસની કરુણ યાદોને ભૂંસી શકી નથી. એવું લાગે છે કે આ દુર્ઘટનાએ માત્ર માનવજીવનને જ નહીં, પરંતુ આસપાસની સમગ્ર પ્રકૃતિને પણ નષ્ટ કરી દીધી હતી.
હોસ્ટેલની પાછળના ભાગમાં આજે પણ ડઝન જેટલા બળેલા વાહનો ઉભા છે. બાઇક, બુલેટ, કાર અને સાયકલો આગમાં ખાખ થઈ જવાના કારણે ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી. ટાયર સંપૂર્ણ બળી ગયા છે, રંગ કાટ ખાઈ ગયો છે અને માત્ર સ્ટીલના વ્હીલ્સ જ બાકી રહ્યા છે. આ વાહનોને જોઈને એવું લાગે છે કે તેઓ આજે પણ પોતાના માલિકોની રાહ જોઈ રહ્યા છે, જે ક્યારેય પરત આવવાના નથી.
જ્યાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું તે બાલ્કનીઓ આજે પણ તૂટેલી હાલતમાં છે. બચાવ કામગીરી દરમિયાન તોડવામાં આવેલા કાચ હજુ પણ બારીઓમાં અડધા લટકી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે ઉપર જવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. અનેક વિદ્યાર્થીઓનો સામાન આજે પણ હોસ્ટેલના રૂમોમાં જ પડ્યો છે, જે ક્યારેય લેવા કોઈ આવ્યું નથી.
દુર્ઘટનાનો સૌથી ભયાનક સાક્ષી બની રહેલી મેસ આજે પણ બંધ છે. જ્યાં એક સમયે વિદ્યાર્થીઓના હાસ્યના અવાજો ગૂંજતા હતા, ત્યાં આજે સન્નાટો છવાયેલો છે. મેસના પાછળના ભાગે વિમાનની ટેઈલ અથડાઈ હતી અને દુર્ઘટના બાદ બે દિવસ સુધી ત્યાં જ અટવાયેલી રહી હતી. બાદમાં એ જ ટેઈલના ભાગમાંથી એક એરહોસ્ટેસનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યાં ટેઈલ ફસાઈ હતી ત્યાં આજે પણ દિવાલમાં વિશાળ કાણું સ્પષ્ટ દેખાય છે. આ કાણામાંથી આખી મેસ નજરે પડે છે. નીચેના માળે વિદ્યાર્થીઓનો વેરવિખેર સામાન, તૂટેલી દિવાલો અને કાટમાળનો ઢગલો આજે પણ પડ્યો છે. સીડી ચઢીને ઉપર જતાં દરેક પગલે તૂટેલી ઈંટો અને પથ્થરો નજરે પડે છે.
પહેલા માળે, જ્યાં એક સાથે 200થી વધુ વિદ્યાર્થીઓ જમતા હતા, ત્યાં આજે ધૂળથી ઢંકાયેલી બેન્ચો પડી છે. તૂટેલા પંખા, ગાયબ થયેલી લાઇટો અને ચારે બાજુ ફેલાયેલો કાટમાળ જાણે તે ભયાનક ક્ષણની વાર્તા કહે છે. એક વર્ષ પહેલા જ્યાં વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા, આજે ત્યાં નિર્જનતા સિવાય કંઈ જ નથી.
મેસનું રસોડું તો વધુ હૃદયદ્રાવક દ્રશ્ય રજૂ કરે છે. અંદર પ્રવેશવા માટે ટોર્ચનો સહારો લેવો પડે એટલું અંધારું છે. વેરવિખેર પડેલો રસોઈનો સામાન, ઊંધા પડેલા કબાટ, જમીન પર ફેલાયેલો લોટ અને કરિયાણું આજે પણ જાણે એ જ દિવસની સ્થિતિમાં પડ્યા છે. એવું લાગે છે કે અહીં સમય અટકી ગયો છે અને બધું જ 12 જૂન, 2025ની બપોરે સ્થિર થઈ ગયું છે.
દુર્ઘટનાના સાક્ષીઓ આજે પણ એ દિવસને યાદ કરતા ધ્રૂજી જાય છે
આ દુર્ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક લોકો આજે પણ એ દિવસને યાદ કરતાં ધ્રૂજી ઊઠે છે. એક યુવાને જણાવ્યું કે દુર્ઘટના પછી તેણે એક કપાયેલું માથું પોતાની આંખે જોયું હતું અને ત્યારથી તે માનસિક રીતે હજુ પણ સ્વસ્થ થઈ શક્યો નથી. એ ભયાનક દ્રશ્ય આજે પણ તેની આંખો સામે ફરી વળે છે.
સ્થાનિકો પોતાના જીવની પરવા કર્યા વિના મદદમાં જોડાયા
એક સ્થાનિક રહેવાસીએ યાદ કરતાં કહ્યું કે ધડાકા બાદ થોડા જ સમયમાં NDRFની ટીમ પહોંચી ગઈ હતી અને તેઓ પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. તેમની સામે જ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગભરાટ એટલો હતો કે કોઈનું મગજ કામ કરતું નહોતું. લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે જો માત્ર બે મિનિટનો પણ વિલંબ થયો હોત તો કદાચ તેઓ પોતે પણ મૃતકોમાં સામેલ હોત.
અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, ‘અમારા માટે પણ આ દુર્ઘટના જીવનભરનો ઘા બની ગઈ છે. ધડાકા સાંભળીને શરૂઆતમાં અમને બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું લાગ્યું હતું. બચવા માટે દોડતા તેઓ નીચે પડી ગયા અને છાતીમાં ઈજા થઈ હતી. દુર્ઘટના બાદ અમારી રોજગારી પણ ખોવાઈ ગઈ. બચાવ કામગીરી માટે અમારી પોતાની પેન્ડલ રિક્ષા અને લારી આપી હતી, પરંતુ તે આજે સુધી પરત મળી નથી. બે મહિના સુધી અમને પોતાના ઘરમાં પણ પરત જવા દેવામાં આવ્યા નહોતા.’
‘એ ભયાનક ક્ષણો આજે પણ…’, પ્લેન ક્રેશનો વીડિયો ઉતારનાર આર્યને શું કહ્યું?
230 મુસાફરોમાંથી માત્ર એકનો ચમત્કારિક બચાવ
ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા નીકળેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક-ઓફ બાદ જ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. જમીન પર થયેલા જાનહાનિ સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. માત્ર એક મુસાફર જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. આજે, એક વર્ષ પછી પણ અતુલ્યમ હોસ્ટેલ, તેની મેસ, બળેલા વાહનો, તૂટેલી દિવાલો અને ત્યાંના લોકોની આંખોમાં દેખાતી પીડા એક જ વાત કહે છે—કેટલીક દુર્ઘટનાઓ સમય સાથે ભૂંસાતી નથી, તે ઇતિહાસ બની જાય છે, પરંતુ ઘા બનીને હંમેશા જીવંત રહે છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર કુલ 242 જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સમાંથી 241 મુસાફરોના મોત થયા હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થયો છે. આ પ્લેન ક્રેશમાં એકનો ચમત્કારિક બચાવ થયો હતો તો બીજી તરફ હોસ્ટેલના ડૉક્ટર્સ અને સ્થાનિકો સહિત કુલ 19ના મોત થતાં કુલ મૃત્યુઆંક 260 સુધી પહોંચ્યો હતો.
બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર માટે એ દિવસ જાણે ચમત્કાર સમાન સાબિત થયો. સીટ નંબર 11-A પર બેઠેલા રમેશ આ વિનાશમાંથી જીવતા બહાર આવ્યા હતા. સમગ્ર દુનિયા માટે આ આશ્ચર્યજનક ઘટના હતી કે જ્યાં સેંકડો લોકો આગ અને વિસ્ફોટમાં ભસ્મીભૂત થઈ ગયા, ત્યાં એક વ્યક્તિ મોતને માત આપી શક્યો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન
આ દુર્ઘટનાએ ગુજરાતના રાજકીય ક્ષેત્રને પણ મોટો આંચકો આપ્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર કરનાર રૂપાણીનું આ રીતે અવસાન સમગ્ર રાજ્ય માટે આઘાતજનક હતું.
સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની લાઈનો લાગી
દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક પછી એક એમ્બ્યુલન્સ મૃતદેહો અને ઇજાગ્રસ્તોને લઈને પહોંચતી હતી. અનેક મૃતદેહો એટલી હદે દાઝી ગયા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. સ્વજનોને પોતાના પરિવારજનોની ઓળખ માટે DNA ટેસ્ટનો સહારો લેવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલના કસોટી ભવન બહાર દિવસો સુધી રાહ જોતા પરિવારોના ચહેરા પર માત્ર એક જ પ્રશ્ન હતો – “શું અમારો સ્વજન મળી જશે?”
દુર્ઘટનાએ જૂના ઘા તાજા કરાવ્યા
આ દુર્ઘટનાએ અમદાવાદને 37 વર્ષ જૂના ઘા પણ યાદ અપાવ્યા હતા. વર્ષ 1988માં પણ ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન અમદાવાદ નજીક ક્રેશ થયું હતું, જેમાં 133 લોકોનાં મોત થયાં હતાં. ત્રણ દાયકાથી વધુ સમય બાદ ફરી એક વખત અમદાવાદની ધરતી પર હવાઈ દુર્ઘટનાએ લોહિયાળ ઇતિહાસ લખ્યો.
આજે, દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. શહેર ફરી ધમધમતું થઈ ગયું છે, એરપોર્ટ પરથી ફરી વિમાનો ઉડી રહ્યાં છે, પરંતુ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના માટે સમય હજુ પણ 12 જૂન, 2025ના બપોરે 1:40 વાગ્યે જ અટકેલો છે. આ દુર્ઘટના માત્ર એક હવાઈ અકસ્માત નહોતી. આ 260 અધૂરા સપનાઓની, સેંકડો તૂટી ગયેલા પરિવારોની અને એક શહેરના હૃદય પર કાયમ માટે રહી ગયેલા ઘાની કહાની છે. 12 જૂન, 2025ની એ કાળમુખી બપોરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ આ સ્થળે ઊભા રહીને લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય. કાટમાળ ધીમે ધીમે હટાવી શકાય છે, ઇમારતો ફરી બનાવી શકાય છે, રસ્તાઓ ફરી ભરાઈ શકે છે, પરંતુ જે જીવ ગુમાવ્યા છે, જે સપનાઓ અધૂરાં રહી ગયા છે અને જે પરિવારો તૂટી ગયા છે, તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકવાની નથી.












