પાકિસ્તાનમાં તખ્તાપલટની આહટ? મુનીર-નક્વીના પાવર પ્લેથી શાહબાઝ-ઝરદારીની ઊંઘ હરામ

Pakistan: પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નક્વીએ દેશના વહીવટી તંત્રને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવીને 21 વર્ષના સૌથી મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. નક્વીએ જજ, રાજકારણીઓ અને અમલદારો પર લાંચખોરીના ગંભીર આરોપો લગાવીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ ખુલાસા બાદ ઇસ્લામાબાદથી લઇને રાવલપિંડી સુધી રાજકીય હલચલ તેજ બની છે અને દેશમાં ફરી એકવાર લશ્કરી બળવા કે સત્તા પરિવર્તનની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના આશીર્વાદથી મોહસિન નક્વી દ્વારા શાહબાઝ શરીફ સરકારને સીધો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
21 વર્ષ જૂનું કૌભાંડ અને સિસ્ટમની નિષ્ફળતા
‘પાકિસ્તાન ઈકોનોમિક સમિટ’માં ગૃહમંત્રી મોહસિન નક્વીએ જાહેરમાં સ્વીકાર્યું કે દેશનું દાયકાઓ જૂનું વહીવટી માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ચૂક્યું છે. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 21 વર્ષથી જજ, અમલદારો, રાજકારણીઓ અને બેંકરોને લાંચ આપવામાં આવી રહી હતી. નક્વીએ સોગંદ ખાધા છે કે આ મામલે સામેલ તમામ વગદાર લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
મોહસિન નક્વીનો ‘પાવર પ્લે’ અને આર્મી ચીફનો હાથ
સંરક્ષણ અને જીઓપોલિટિકલ નિષ્ણાતોના મતે, મીડિયા હાઉસના વડાથી પોતાની રાજકીય સફર શરૂ કરનાર મોહસિન નક્વી ઝડપથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી રહ્યા છે અને તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.
નક્વીના આ આક્રમક વલણ પાછળ આર્મી ચીફ જનરલ આસિમ મુનીરનો સીધો હાથ છે. નક્વીને જનરલ મુનીરના અત્યંત નજીકના અને સગા માનવામાં આવે છે. આ જ નિકટતાના કારણે મુનીરે અમેરિકા અને ઈરાન વચ્ચેના મધ્યસ્થતાના મુદ્દામાં પણ શાહબાઝ સરકારને બાજુ પર રાખીને નક્વીને પોતાના ખાસ પ્રતિનિધિ બનાવ્યા હતા.
શાહબાઝ શરીફને સાઈડલાઈન કરવાની તૈયારી?
બલૂચિસ્તાન અને પીઓકે (PoK) માં વધતા જનઆક્રોશ વચ્ચે જનરલ આસિમ મુનીર દેશ પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માગે છે. નિષ્ણાતોનો અંદાજ છે કે મુનીર પોતાના મોહરા મોહસિન નક્વી દ્વારા દેશમાં નવા પ્રાંત કે વહીવટી એકમો બનાવવા માટેનું વાતાવરણ તૈયાર કરી રહ્યા છે.
આ કવાયતનો અંતિમ હેતુ પર્વેઝ મુશર્રફની તર્જ પર જનરલ મુનીર માટે રાષ્ટ્રપતિ અને સંરક્ષણ દળોના વડા તરીકે સંપૂર્ણ સત્તા હડપ કરવાનો રસ્તો સાફ કરવાનો છે.
PML-N અને PPP ની રહસ્યમય ચૂપકીદી
નક્વીએ દેશમાં સુશાસન અને ન્યાય વ્યવસ્થા સુધારવા માટે નવા પ્રાંતો બનાવવાની વકીલાત કરી છે, જેને પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પણ સુરક્ષાની દ્રષ્ટિએ સમર્થન આપ્યું છે.
જોકે, સત્તાધારી ગઠબંધન PML-N અને PPP આ મુદ્દે સંપૂર્ણપણે મૌન છે. તેનું મુખ્ય કારણ એ છે કે બંને પક્ષોનો મુખ્ય રાજકીય આધાર પંજાબ અને સિંધ પ્રાંતોમાં છે. જો પ્રાંતોની સીમાઓમાં ફેરફાર થાય, તો તેમનું રાજકીય વર્ચસ્વ ખતમ થઈ શકે તેમ છે.
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો પલટવાર
મોહસિન નક્વીના સતત હુમલાઓથી અસ્વસ્થ થયેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તેમના પર તીખા પ્રહારો કર્યા છે. આસિફે કહ્યું કે, “નક્વી છેલ્લા ત્રણ વર્ષથી અત્યંત શક્તિશાળી પદ પર છે અને તેઓ વડાપ્રધાનને પણ જવાબદાર નથી.”
તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે જો આટલી તાકાત ધરાવતી વ્યક્તિ પણ સિસ્ટમની ફરિયાદ કરતી હોય તો બાકીના મંત્રીઓએ રાજીનામું આપીને ઘરે જતું રહેવું જોઈએ. આસિફે નક્વીને સલાહ આપી કે સિસ્ટમ બદલવાની શરૂઆત તેઓ પોતાના ગૃહ મંત્રાલય અને પીસીબી (PCB) થી કરે, કારણ કે ક્રિકેટ ફેન્સ પણ તેમના કામથી ખુશ નથી.
હાલમાં રાવલપિંડી (સેના મુખ્યમથક) અને ઇસ્લામાબાદમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર જારી છે. જે રીતે સિવિલિયન મશીનરી અને ન્યાયતંત્રને ઘેરવામાં આવી રહ્યા છે, તેનાથી વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ખુરશી જોખમમાં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ રાણપુર પોલીસે ઘરફોડ ચોરીના બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા, ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા
આ પણ વાંચોઃ ધોળકા : બદરખામાં 15 દિવસથી વરસાદી પાણી ભરાયા, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












