પાકિસ્તાને સોનાની આયાત નિકાસ પર મુક્યો પ્રતિબંધ, જાણો શા માટે?

નવી દિલ્હી, 9 મે, 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઇ ચૂક્યુ છે ત્યારે સંબંધોમાં પણ ઓટ આવી છે. 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હૂમલાએ રહ્યા સહ્યા સંબંધોનો પણ અંત લાવી દીધો છે. આ હૂમલાના જવાબમાં ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની આજે પણ વૈશ્વિક સ્તરે ચર્ચા થઇ રહી છે.
હાલમાં બન્ને દેશોએ એકબીજા પર ડ્રોનથી હૂમલો કરી દીધો છે. જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે છે. તેથી પાકિસ્તાન સરકારે પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે અગત્યના નિર્ણયો લીધા છે. એક તરફ કરાંચી સ્ટોક એક્સચેંજ પર કારોબાર અટકાવી દીધો છે તો બીજી બાજુ પોતાની સોનાની આયાત નિકાસ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.
પાકિસ્તાને શા માટે સોનાની આયાત નિકાસ પર લગાવી રોક
પાકિસ્તાને 2013 ના SRO 760ના આવક નિયમોને હાલ પૂરતા સ્થગિત કરીને તેની સોનાની નિકાસ અને આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન સોના અને ચાંદીના પ્રવાહને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે તેનું સોનું દુબઈ થઈને ભારત જઈ શકે છે તેવો પાકિસ્તાનને ડર છે.
પાકિસ્તાન અને ભારતમાં સોનાના ભાવમાં ઘણો તફાવત છે. સોનું પાકિસ્તાન થઈને દુબઈ આવે છે અને દુબઈથી ભારતમાં આવે છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ તહેવારો કે લગ્નો દરમિયાન સોનાની માંગ વધી જાય છે.
પાકિસ્તાન હાલમાં યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાંથી સોનાની આયાત કરે છે
પાકિસ્તાનમાં, સોનું તેની સંસ્કૃતિ, નાણાકીય સ્થિતિ અને ઉત્પાદન સાથે જોડાયેલું છે. પાકિસ્તાન હાલમાં યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાંથી સોનાની આયાત કરે છે. હાલની પરિસ્થિતિને જોતાં, ભારતમાંથી પણ સોનાની માંગ વધશે, જે પાકિસ્તાન દ્વારા આડકતરી રીતે નિકાસ કરવામાં આવશે. આજ કારણથી પાકિસ્તાન તેની આયાત નિકાસને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.
ભારતમાં સોનાનો ભાવ
ગઇકાલે MCX (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) માં 24 કેરેટ સોનાનો ભાવ 97,323 રૂપિયા હતો. જો આમાં 3% GST ઉમેરવામાં આવે તો 24 કેરેટ સોનાની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. જો 24 કેરેટ સોનાની કિંમત 97,323 રૂપિયા હોય, તો 3 ટકા GST 2919 રૂપિયા થાય છે. જેનો અર્થ એ થયો કે 24 કેરેટ સોનું 1,00,242 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ ભારતે જે ડ્રોનથી પાકિસ્તાનના આંતંકી સ્થાનોને તબાહ કર્યા તેની ખાસિયત અને કિંમત












