નીતિશનું CM પદ છોડવાથી રાજકારણમાં અસરઃ તેજસ્વી માટે કેવી રીતે બનશે સુવર્ણ તક?

Nitish Kumar Resignation: બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ (JDU) અધ્યક્ષ નીતિશ કુમારે સોમવારે (30 માર્ચ) બિહાર વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપીને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. નીતિશ કુમાર તાજેતરમાં જ રાજ્યસભામાં ચૂંટાયા છે, જેના કારણે તેઓ હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થશે તે નિશ્ચિત બન્યું છે. જોકે, તેમણે હજુ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં તેઓ આ પદ પણ છોડી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ છે.
શું પુત્ર નિશાંતની થશે તાજપોશી?
રાજકીય ગલીયારામાં એવી ચર્ચા છે કે નીતિશ કુમાર સત્તા છોડતા પહેલા પોતાના એકમાત્ર પુત્ર નિશાંત કુમારને બિહારની ગાદી સોંપી શકે છે. જો આવું થાય, તો 2005 થી ચાલી રહેલો નીતિશ કુમારનો સીધો શાસનકાળ પૂરો થશે અને બિહારમાં એક નવા નેતૃત્વનો ઉદય થશે.
બિહારના રાજકારણમાં આવશે આ 5 મોટા ફેરફાર:
1. ભાજપનો સીધો કંટ્રોલ અને ભાજપનો CM ચહેરો:
અત્યાર સુધી બિહારમાં ભાજપ ‘નાના ભાઈ’ની ભૂમિકામાં હતું, પરંતુ નીતિશના ગયા પછી ભાજપ હવે ફ્રન્ટ સીટ પર જોવા મળશે. 89 બેઠકો ધરાવતી ભાજપ હવે રાજ્યમાં પોતાનો જ મુખ્યમંત્રી બેસાડવા માટે પૂરજોર પ્રયાસ કરશે.
2. OBC-EBC મતદારોનું નવું ધ્રુવીકરણ:
બિહારમાં 36% અતિ પછાત વર્ગ (EBC) અને પછાત વર્ગ (OBC) નીતિશ કુમારના કોર વોટર રહ્યા છે. નીતિશની ગેરહાજરીમાં આ મોટું વોટબેંક વિખેરાઈ શકે છે. આ મતોનો મોટો હિસ્સો ભાજપ અથવા આરજેડી (RJD) તરફ વળી શકે છે, જે આવનારી ચૂંટણીઓમાં નિર્ણાયક સાબિત થશે.
3. જેડીયુ (JDU) નબળી પડી શકે:
નીતિશ કુમાર પછી જેડીયુમાં લલન સિંહ કે વિજય ચૌધરી જેવા બીજા હરોળના નેતાઓ તો છે, પણ નીતિશ જેવો કરિશ્માઈ ચહેરો નથી. નીતિશની સક્રિયતા ઘટતા પક્ષના અસ્તિત્વ સામે સવાલો ઉઠી શકે છે.
4. હવે મુકાબલો ‘ભાજપ વિરુદ્ધ આરજેડી’:
અત્યાર સુધી બિહારનું રાજકારણ ત્રિકોણીય હતું (JDU, BJP અને RJD). પરંતુ હવે નીતિશના ખસી જવાથી રાજકારણ દ્વિધ્રુવીય બની જશે. આગામી સમયમાં મુખ્ય લડાઈ ભાજપ અને આરજેડી વચ્ચે જ જામશે.
5. તેજસ્વી યાદવ માટે સુવર્ણ તક:
વિપક્ષી નેતા તેજસ્વી યાદવ માટે આ એક મોટી તક છે. નીતિશ કુમારની ગેરહાજરીમાં તેઓ યાદવ અને મુસ્લિમ મતો ઉપરાંત અન્ય પછાત જાતિઓને પોતાના પક્ષમાં લાવીને મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે.
બિહારના રાજકારણે બે દાયકા પછી એક નવો વળાંક લીધો છે, જેની અસર આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પર ચોક્કસપણે જોવા મળશે.
આ પણ વાંચોઃ અમેરિકી હુમલાની ઉંધી અસર: શું ઈરાન હવે પરમાણુ શક્તિ બનવા તરફ મક્કમ?
આ પણ વાંચોઃ પાકિસ્તાન મારફતે ઈરાનને મળ્યો ટ્રમ્પનો પ્રસ્તાવ, ભડકેલા તેહરાને આપ્યો કંઈક આવો જવાબ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












