બિહારમાં છઠ પર્વ પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થું (DA) વધીને સીધું 63% થયું!

Bihar Government Employees DA Hike: બિહારમાં મહાપર્વ છઠની ઉજવણી પહેલા રાજ્ય સરકાર દ્વારા લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકાનો વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારના રોજ મળેલી આ કેબિનેટ બેઠકમાં કુલ 31 એજન્ડા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કર્મચારીઓને પાછલા મહિનાઓથી એરિયર્સ સાથેનો લાભ મળશે અને તેમનું મોંઘવારી ભથ્થું સીધું વધીને 63 ટકા પર પહોંચી ગયું છે.
મોંઘવારી ભથ્થું 60 થી વધીને 63 ટકા થયું
મંત્રીમંડળના સત્તાવાર નિર્ણય અનુસાર, સાતમા કેન્દ્રીય પગાર પંચ હેઠળ પગાર મેળવતા રાજ્યના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકાથી વધારીને 63 ટકા કરી દેવામાં આવ્યું છે. આ વધારો આગામી 1 જુલાઈ, 2026 થી અમલી બનશે. તેવી જ રીતે, છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ માટે ડીએ 262 ટકાથી વધારીને 269 ટકા અને પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે 483 ટકાથી વધારીને 497 ટકા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી માત્ર વર્તમાન કર્મચારીઓ જ નહીં, પરંતુ લાખો પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને પણ મોટો આર્થિક ફાયદો મળશે.
શિક્ષણ અને મહિલા સશક્તિકરણને વેગ
છઠ તહેવાર પહેલા લેવાયેલા આ કેબિનેટ નિર્ણયોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં યુવતીઓની ભાગીદારી અને ઉત્સાહ વધારવા માટે “બિહાર કી બેટી સ્ટાર્ટઅપ ચેલેન્જ યોજના” ને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી અંદાજે 2,100 મહિલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. આ યોજના 2026-27 થી 2029-30 સુધીના 4 વર્ષના સમયગાળામાં લાગુ થશે, અને આ યોજના પાછળ ₹88.20 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી કન્યા પીએચડી ફેલોશિપ યોજના’ ને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના માટે ₹126 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ટેકનોલોજી અને આઈટીઆઈ તાલીમ માટે મોટા ભંડોળની ફાળવણી
રાજ્યના યુવાનોને આધુનિક ટેકનોલોજી અને રોજગારલક્ષી કૌશલ્યો પૂરા પાડવા માટે સિંગાપોરના ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નેટવર્કના સહયોગથી ‘આર્યભટ્ટ દ્રષ્ટિ પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવશે, જેના માટે ₹190.32 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, રોહતાસ, મુંગેર, પટના, પૂર્ણિયા અને મધુબની એમ કુલ 5 જિલ્લાઓમાં ટાટા ટેક્નોલોજીસ લિમિટેડના સહયોગથી સરકારી ITI માં CIIIIT કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ ₹1,174.81 કરોડનો જંગી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જે યુવા વર્ગ માટે રોજગારીના નવા દ્વાર ખોલશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હાજીપુરમાં નવું બસ સ્ટેન્ડ અને જેલોમાં પ્રિઝન કોલિંગ કિઓસ્ક
મંત્રીમંડળની આ બેઠકમાં અન્ય વિકાસ કાર્યોને પણ ગતિ આપવામાં આવી છે. મોકામા તાલ વિસ્તારમાં પૂર નિયંત્રણ અને ડ્રેનેજ કાર્યો માટે ₹254.57 કરોડ તથા બખ્તિયારપુર-તાજપુર ગંગા પુલ પ્રોજેક્ટ માટે ₹4,572.53 કરોડનો સુધારેલો ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત, હાજીપુરમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે જમીન સંપાદન અર્થે ₹44.52 કરોડ ફાળવવામાં આવ્યા છે. વહીવટી સુધારણા હેઠળ બિહાર બિલ્ડીંગ બાય-લો, 2026 અને બિહાર ઇનલેન્ડ વેસેલ્સ રૂલ્સ, 2026 ને પણ મંજૂરી અપાઈ છે. સાથે જ, રાજ્યભરની 59 જેલોમાં 159 પ્રિઝન કોલિંગ કિઓસ્ક સ્થાપવાનો નિર્ણય લેવાયો છે, જેના સંચાલન પાછળ 5 વર્ષમાં ₹8.85 કરોડનો ખર્ચ થશે.
આ પણ વાંચો: UP ના રાજકારણમાં ગરમાવો! ચંદ્રશેખર આઝાદના વધતા પ્રભાવ પર બ્રેક લગાવશે માયાવતીની રેલી?












