ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Ambalal patel હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો કેમ કરી મોટી જાહેરાત?

Ambalal patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ કોઈ પ્રકારના વિવાદોમાં પડવા ન માંગતા હોવાથી આ નિર્ણય કર્યો છે.

અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર તરીકે ઓળખાય છે. તેઓ પરંપરાગત ખગોળીય સંકેતો અને પ્રાકૃતિક પરિબળોના આધારે હવામાન અંગે આગાહીઓ કરવા માટે જાણીતા છે. ખાસ કરીને ચોમાસું, વાવાઝોડાં, શિયાળો અને ગરમી અંગેની તેમની આગાહીઓના કારણે તેઓ વર્ષોથી ચર્ચામાં રહે છે.

અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલે આણંદમાં બી.એસ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી કર્યું છે. 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. અંબાલાલ પટેલે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

આ રીતે બન્યા હવામાન નિષ્ણાત

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે-સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગે જાણકારી મેળવી હતી.

શું થયો વિવાદ? કેમ નહિ કરે આગાહી

વિજ્ઞાનજાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીઓ પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. જયંત પંડ્યાએ ટિપ્પણી કરતાં જણાવ્યું કે હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઈટ ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ ડેટાનું એનાલિસિસ કરીને યોગ્ય માહિતી આપતી હોય છે. આવા સમયે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબાગાળાની આગાહીઓ કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે.

અંબાલાલ પટેલે જયંત પંડ્યાને આપ્યો હતો આ જવાબ

અંબાલાલ પટેલે દાવો કર્યો હતો કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. તેમણે પોતાની લાયકાત અને અનુભવની વાત કરતા સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતે બીએસસી એગ્રીકલ્ચર અભ્યાસ કરી ચૂક્યા છે. તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ તેમજ કૃષિ હવામાનના ઊંડા અભ્યાસનો સમન્વય હોય છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. તેમના મતે વિવાદ કરતાં સમાજનું કલ્યાણ વધુ મહત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિવાદો વચ્ચે આગાહી કરવી યોગ્ય નથી અને તેથી તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના 60 તાલુકામાં વરસાદની ખોટ, ખેડૂતો ચિંતામાં; વિજ્ઞાન જાથાની આગાહીકારો સામે કાર્યવાહીની માગ
Back to top button