New Rules from 1st November 2025: કાલથી લાગુ થઈ જશે આ નવા નિયમો, ઘણી વસ્તુઓની કિંમતો બદલાઈ જશે

નવી દિલ્હી, 31 ઓકટોબર 2025: આજે ઓક્ટોબરનો મહિનો સમાપ્ત થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે જ ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર જોવા મળશે. એટલે કે કાલે 1 નવેમ્બરથી જ તમને ઘણા નવા નિયમો અને કિંમતોમાં ફેરફાર દેખાશે. એલપીજી કિંમતોથી લઈને બેંક કાર્ડ નિયમો સુધીમાં ફેરફાર થશે, જે 1 નવેમ્બરથી અસરકારક થશે. 1 નવેમ્બરથી ભારતમાં શું-શું બદલાવાનું છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે.
1 નવેમ્બરથી લાગુ થઈ જશે આ ફેરફારો
૧. ગેસ સિલિન્ડરની કિંમતો: 1 નવેમ્બરથી એલપીજી, સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફેરફારની અપેક્ષા છે. 14 કિલોગ્રામના ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની અપેક્ષા છે, જ્યારે વ્યાપારીક ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે.
૨. એસબીઆઇ કાર્ડ: એસબીઆઇ ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 1 નવેમ્બરથી અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ પર 3.75% ચાર્જ લાગશે. એસબીઆઇ કાર્ડે જણાવ્યું છે કે હવે ક્રેડ, ચેક અને મોબિક્વિક જેવા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ ચુકવણી પર વ્યવહારની રકમના 1% લાગશે. જો કે, એસબીઆઇ કાર્ડે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓ, કોલેજો કે વિશ્વવિદ્યાલયોને તેની અધિકૃત વેબસાઇટ અથવા ઓન-સાઇટ પીઓએસ મશીનો દ્વારા કરાયેલી ચુકવણી પર આ શુલ્ક લાગશે નહીં. એસબીઆઇ કાર્ડ કહે છે કે 1000 રૂપિયાથી વધુના દરેક વૉલેટ લોડ વ્યવહાર પર વ્યવહારની રકમના1% શુલ્ક લેવામાં આવશે. આ શુલ્ક પસંદગીના મર્ચન્ટ કોડ હેઠળ કરાયેલા વ્યવહારો પર લાગુ પડશે. એસબીઆઇ કાર્ડ ચેક ચુકવણી શુલ્ક તરીકે 200 રૂપિયા લે છે.
૩. મ્યુચ્યુઅલ ફંડ: સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC)એ પોતાના નોમિની અથવા નજીકના સંબંધીઓ દ્વારા 15 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની માહિતી કમ્પ્લાયન્સ અધિકારીને આપવી પડશે.
૪. બેંકોમાં રજા અને નિયમોમાં ફેરફાર: 1 નવેમ્બરે બેંકોની હોલિડે લિસ્ટ પણ જારી કરવામાં આવશે. નવેમ્બર 2025માં બેંકોમાં કુલ 13 દિવસની રજા રહેશે. હવે તમે તમારા જમા ખાતા માટે મહત્તમ ચાર લોકોને નામાંકિત કરી શકો છો. જમા ખાતાઓ માટે, તમે મહત્તમ ચાર નામાંકિત વ્યક્તિઓ વચ્ચે અધિકારો વહેંચી શકો છો. કુલ હિસ્સો 100% હોવો જોઈએ.
૫. ટેલિકોમમાં ફેરફાર: 1નવેમ્બરથી ટેલિકોમ કંપનીઓ સ્પામ કોલ અને મેસેજ અંગે કડક પગલાં લેશે. તમામ ટેલિકોમ કંપનીઓને આ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ1 નવેમ્બરથી તમામ સ્પામ નંબરોને બ્લોક કરી દે. એટલે કે યુઝર્સ સુધી મેસેજ પહોંચતા પહેલાં જ ટેલિકોમ કંપનીઓ સ્પામ નંબરને બ્લોક કરી દેશે.
આ પણ વાંચો : બેન્ક ઓફ અમેરિકાની કંપનીએ રિલાયન્સના 2.95 લાખ શેર ખરીદ્યા












