ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

NEET કેસમાં મોટી ધરપકડ, NTAની એક્સપર્ટ શિક્ષિકાએ જ લીક કર્યું હતુ બાયોલોજીનું પેપર

NEET-UG 2026 paper leak: NEET-UG 2026 પેપર લીક મામલે CBIને વધુ એક મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેની સિનિયર બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડરેની દિલ્હીમાથી ધરપકડ કરી છે. મનીષા પર NEET-UG 2026ના બાયોલોજી પેપર લીકની કથિત માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ છે. મનીષા મંડરે પુણેના શિવાજીનગર વિસ્તારમાં આવેલી મોર્ડન કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સમાં બોટની લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. કોલેજના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા પાંચથી છ વર્ષથી NTA માટે NEET પરીક્ષાના પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં યોગદાન આપી રહ્યા હતા.

CBIના જણાવ્યા અનુસાર, મનીષાને NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને બોટની (વનસ્પતિશાસ્ત્ર) તથા ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર)ના પ્રશ્નપત્રો સુધી તેમની સંપૂર્ણ પહોંચ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એપ્રિલ 2026 દરમિયાન મનીષા મંડરેએ પુણેની મનીષા વાઘમારે (જેની 14 મેના રોજ ધરપકડ થઈ ચૂકી છે) મારફતે કેટલાક NEET ઉમેદવારોને પોતાના પુણે સ્થિત ઘરે એકત્ર કર્યા હતા અને ખાસ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. આ ક્લાસ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને બોટની અને ઝૂલોજીના અનેક પ્રશ્નો સમજાવ્યા હતા, નોટબુકમાં લખાવ્યા હતા તેમજ પુસ્તકોમાં મહત્વના મુદ્દાઓ માર્ક પણ કરાવ્યા હતા.

CBIનો દાવો છે કે આ પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. આ મામલે CBIએ છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 6 સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ સામગ્રીની વિગતવાર તપાસ હાલ ચાલુ છે. નોંધનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મે 2026ના રોજ દેશભરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા પેપર લીકના આક્ષેપો બાદ રદ કરી દીધી હતી.

NEET-UG પેપર લીક મામલે અત્યાર સુધી 9 ધરપકડ

CBIએ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે 12 મે 2026ના રોજ આ મામલે FIR નોંધી હતી. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ વિશેષ ટીમો બનાવી દેશભરના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ, ગઈકાલે ધરપકડ કરાયેલા બે આરોપીઓને પુણે કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાંઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે, જ્યાં તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. CBIના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીક પાછળના મુખ્ય આરોપીઓ સાથે એવા વચેટિયાઓની પણ ઓળખ થઈ છે, જેઓ લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને આ ખાસ ક્લાસ સુધી પહોંચાડતા હતા. આ મામલે CBIએ મહારાષ્ટ્રના લાતૂરના કેમિસ્ટ્રી શિક્ષક પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ કરી છે.

પેપર લીકનો કથિત માસ્ટરમાઈન્ડ કેમિસ્ટ્રી પ્રોફેસર પણ ઝડપાયો

પી.વી. કુલકર્ણીને NEET-UG 2026 પેપર લીક મામલે કથિત માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ, તેઓ ઘણા વર્ષોથી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓ સંબંધિત શૈક્ષણિક કામગીરી સાથે જોડાયેલા હતા અને છેલ્લા કેટલાક સમયથી NTA સાથે કોન્ટ્રાક્ટ આધારિત કેમિસ્ટ્રી નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા હતા. NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલા હોવાના કારણે તેમને NEET-UG 2026ના કેમિસ્ટ્રી પ્રશ્નપત્રો સુધી પહોંચ મળી હતી. પી.વી. કુલકર્ણીએ લાતૂરની દયાનંદ કોલેજમાં લગભગ 28 વર્ષ સુધી કેમિસ્ટ્રી પ્રોફેસર તરીકે સેવા આપી હતી અને તેઓ આ કોલેજના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે. નિવૃત્તિ બાદ તેઓ પુણેમાં કોચિંગ અને ખાનગી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો: CJIએ પોતાના નિવેદન પર આપી સ્પષ્ટતા, કહ્યું – ‘મને યુવાનો પર ગર્વ છે, નકલી ડિગ્રી ધારકોને પરજીવી કહ્યું હતું’

Back to top button