ટ્રેન્ડિંગનેશનલ

જંતર-મંતર વિરોધનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો: ખડગેએ સરકાર પર વિદ્યાર્થીઓને દબાવવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી: નીટ (NEET) પરીક્ષા પેપર લીક મુદ્દે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો સોમવારે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે રાજ્યસભામાં ગાજ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવતા સરકાર પર વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ખડગેએ રાજ્યસભામાં જણાવ્યું કે નીટ પેપર લીક અને પરીક્ષા કૌભાંડ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જંતર-મંતર પર એકત્ર થયા છે અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સરકાર વિદ્યાર્થીઓને દબાવવા અને તેમના વિરોધને કચડી નાખવા માગે છે, એવો આરોપ પણ તેમણે લગાવ્યો.

ખડગે આ મુદ્દે બોલી રહ્યા હતા ત્યારે રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો હતો. સતત હોબાળા વચ્ચે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદોએ ડિમ્પલ યાદવના નેતૃત્વમાં હાથમાં બેનરો સાથે જંતર-મંતર તરફ કૂચ કરી હતી. ડિમ્પલ યાદવ સાથે ઇકરા હસન, પ્રિયા સરોજ, છોટેલાલ અને અન્ય સાંસદો પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ જંતર-મંતર વિરોધનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો: ખડગેએ સરકાર પર વિદ્યાર્થીઓને દબાવવાનો આરોપ લગાવ્યો
Back to top button