ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ સહિત દેશભરમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ઉગ્ર દેખાવો, પોલીસનો લાઠીચાર્જ

LIVE:  NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અને સોનમ વાંગચૂકના સમર્થનમાં ચાલી રહેલું આંદોલન સોમવારે વધુ ઉગ્ર બન્યું હતું. દિલ્હીના જંતર-મંતરથી લઈને અમદાવાદ સુધી પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા.

દિલ્હીમાં સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરનાર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરોને પોલીસે રોક્યા, જ્યારે અમદાવાદમાં પણ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા કાર્યકરોને પોલીસે અટકાવ્યા અને અનેક લોકોની અટકાયત કરી.

sonam vangchuk hum dekhenge news

પ્રદર્શનકારીઓનો પોલીસ પર પથ્થરમારો

જંતર-મંતરથી વિરોધ પ્રદર્શન આરબીઆઈ સુધી પહોંચ્યા છે. પોલીસે ત્યાં હળવો બળપ્રયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે. સાથે ત્યાં ધરણા પર પણ બેઠા છે. નવી દિલ્હીના ડીસીપી સચિન શર્મા પ્રદર્શનકારીઓને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

50થી વધુ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા

પોલીસે 50થી વધુ ટીયર ગેસના શેલ છોડ્યા છે. હાલમાં ભીડ આરબીઆઈ પાસે એકઠી થઈ ગઈ છે, અને પોલીસ ગમે ત્યારે લાઠીચાર્જ કરી શકે છે.

‘યુવાનો પર ટીયર ગેસનો ઉપયોગ બંધ કરો’

સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે X પર પોસ્ટ કરી કે સંસદની સામે યુવાનો પર ટીયર ગેસ છોડવાનું બંધ કરો. સરકારે દમન નહીં, સંવાદનો માર્ગ પસંદ કરવો જોઈએ. તેના અસમર્થ શિક્ષણ પ્રધાનને દૂર કરો અને યુવાનોની વાત સાંભળો.

દિલ્હીમાં સુરક્ષા કર્મચારીઓ હાઇ એલર્ટ પર

દિલ્હીમાં સંસદ સંકુલની અંદર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ હાઈ એલર્ટ પર છે

અભિજીત દીપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી

12: 45 PM – સોનમ વાંગચુકે કહ્યું કે મને માર્ચમાં જોડાવા દેવામાં આવે

સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે એક પત્ર લખીને કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસદ કૂચમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે હોસ્પિટલમાંથી જ અપીલ કરી છે કે તેમને સંસદ ભવન તરફ યોજાનારા શાંતિપૂર્ણ માર્ચમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે.

સપા સાંસદ ડિમ્પલ યાદવ જંતર-મંતર તરફ આગળ વધ્યા

સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ પોતાના પક્ષના અન્ય નેતાઓ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે રવાના થયા છે. તેઓ પ્રદર્શન સ્થળે પહોંચી આંદોલનકારીઓ સાથે એકતા વ્યક્ત કરશે અને તેમની માંગણીઓને સમર્થન આપશે.

દિલ્હીમાં ‘ચલો સંસદ’ માર્ચ દરમિયાન ભારે બંદોબસ્ત

સોમવારે સવારે 9 વાગ્યે CJP દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી ‘ચલો સંસદ’ માર્ચનું એલાન કરવામાં આવ્યું હતું. અંદાજે 30થી 35 હજાર જેટલા પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં ભારે બેરિકેડિંગ ગોઠવ્યું હતું. મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ તેમજ RAFના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

સવારે 8 વાગ્યે પ્રદર્શનકારીઓ સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર એકઠા થયા.

પોલીસનું કહેવું હતું કે માર્ચ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નહોતી, તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકે કહ્યું હતું કે, “અમને કોઈ રોકી શકશે નહીં. અમારો સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે.”

દિલ્હી પોલીસનો ખુલાસો

સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને હિંસા કરવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે દિલ્હી પોલીસે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કોઈપણ પ્રકારની હિંસા કરવામાં આવી નથી અને સમગ્ર પરિસ્થિતિને વ્યાવસાયિક રીતે સંભાળવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહેવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.

સોનમ વાંગચૂકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો

23 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ મહત્વપૂર્ણ શરતો મૂકી છે.

તેમની પ્રથમ માંગ છે કે કેન્દ્ર સરકાર શિક્ષણ વ્યવસ્થા અને NEET પેપર લીક માટે પોતાની જવાબદારી સ્વીકારે.

બીજી માંગ મુજબ CJPના પ્રતિનિધિમંડળને સંસદમાં જઈ સાંસદો સમક્ષ પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે અને સાંસદો આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપે.

ત્રીજી શરત મુજબ જો સ્વાસ્થ્ય કારણોસર તેઓ સંસદ સુધી જઈ ન શકે તો સાંસદો સફદરજંગ હોસ્પિટલમાં આવીને આ જ ખાતરી આપે.

સફદરજંગ હોસ્પિટલમાંથી હેલ્થ અપડેટ

સવારના 10 વાગ્યે જાહેર કરાયેલા મેડિકલ બુલેટિન અનુસાર સોનમ વાંગચૂકની હાલત હાલ સ્થિર છે. તેમના તમામ વાઇટલ પેરામીટર્સ સામાન્ય હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. જોકે કેટલાક રક્ત પરીક્ષણોના પરિણામો પર ડોકટરો સતત નજર રાખી રહ્યા છે. નિષ્ણાત ડોકટરોની મલ્ટિડિસિપ્લિનરી ટીમ તેમની સારવાર કરી રહી છે.

પત્ની ફરી દિલ્હી હાઈકોર્ટ પહોંચી

સોનમ વાંગચૂકની પત્ની ગીતાંજલિ જે આંગમો ફરી દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે વાંગચૂકને કોઈ સત્તાવાર ધરપકડ વિના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને તેમના સારવાર સંબંધિત નિર્ણય લેવાના અધિકારનું હનન થઈ રહ્યું છે. અપીલમાં “ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ”ના અધિકારનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

11:00 AM- અનેક રાજકીય નેતાઓ અને સંગઠનોનું સમર્થન

જંતર-મંતર પર યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા, આતિશી અને સંજય સિંહ જોડાયા હતા. ઉપરાંત આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન AISAના ત્રણ વિદ્યાર્થી નેતાઓએ 23 દિવસથી ચાલી રહેલી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. અભિનેત્રી શબાના આઝમી, રાજ્યસભાના સાંસદ મનોજ ઝા અને અભિનેતા પ્રકાશ રાજે તેમને પાણી પીવડાવી ઉપવાસ તોડાવ્યો.

મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં નારેબાજી

CJPએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે મંડી હાઉસ મેટ્રો સ્ટેશનની અંદર પણ કાર્યકરોએ “ઇન્કલાબ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા.

10:00 AM – અમદાવાદમાં પણ વિરોધના પડઘા

દિલ્હીના આંદોલનના સમર્થનમાં અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. લો-ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પાસે યુથ કોંગ્રેસ અને અન્ય કાર્યકરો દ્વારા સોનમ વાંગચૂકના સમર્થનમાં તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલાએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા, ટીંગાટોળી સાથે અટકાયત.

જોકે, અમદાવાદ પોલીસ દ્વારા અગાઉથી જ પરવાનગી આપવામાં આવી ન હોવાથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ACP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

બેનરો અને સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ એક્શનમાં

પ્રદર્શનકારીઓ ‘ભાજપ હાય હાય’ અને ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’ જેવા સૂત્રો લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. કેટલાક યુવાનો બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક અને પોસ્ટરો લઈને સ્થળે પહોંચ્યા હતા. પ્રદર્શન શરૂ થતાં જ પોલીસે તેમને સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો. પોલીસ પહોંચતાં જ કેટલાક યુવાનો ભાગવા લાગ્યા હતા, જ્યારે પોલીસે તેમની પાછળ દોડી જઈ અનેક લોકોને અટકાયત કરી હતી.

મહિલાઓની અટકાયત દરમિયાન સર્જાયા ધક્કામુક્કીના દ્રશ્યો

વિરોધ દરમિયાન કેટલીક મહિલાઓ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગી હતી. ત્યારબાદ મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને ઉઠાવીને અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી તથા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

20 જૂનથી ચાલુ છે આંદોલન

CJP દ્વારા 20 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક મુદ્દે સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સંગઠનની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે. સોનમ વાંગચૂક 28 જૂનથી આ આંદોલનમાં જોડાયા હતા અને ત્યારથી તેઓ ભૂખ હડતાળ પર હતા.

સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર

દિલ્હીમાં સંસદ કૂચ, સોનમ વાંગચૂકની તબિયત, હાઈકોર્ટમાં ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા અને અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે સમગ્ર ઘટનાક્રમ પર રાજકીય અને સામાજિક વર્તુળોની નજર ટકેલી છે. સરકાર, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આગામી દિવસોમાં શું સમાધાન થાય છે તેના પર હવે સૌની નજર રહેશે.

Back to top button