WhatsApp લાવ્યું ધમાકેદાર ફીચર! હવે ફોટો-વીડિયો શેર કરવાનું બનશે સરળ

Whatsapp Recent Media Suggestions : મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પોતાના યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ સરળ બનાવવા માટે નવું ફીચર (Recent Media Suggestions) રોલઆઉટ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી હવે ચેટ દરમિયાન જ ફોનની ગેલેરીમાં તાજેતરમાં સેવ કરેલા ફોટો અને વીડિયો સીધા જોવા મળશે. એટલે કોઈને ફોટો કે વીડિયો મોકલવા માટે વારંવાર ગેલેરી ખોલવાની જરૂર નહીં પડે.
ચેટ સ્ક્રીન પર જ દેખાશે તાજેતરના ફોટો-વીડિયો
WABetaInfoના અહેવાલ અનુસાર, WhatsAppનું આ નવું ફીચર હાલમાં પસંદગીના Android અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા ફોનની ગેલેરીમાં તાજેતરમાં ઉમેરવામાં આવેલા મીડિયા (Media)ના સૂચનો સીધા ચેટ સ્ક્રીન પર જોવા મળશે. WhatsApp આ ફીચરને દર્શાવવા માટે બે અલગ-અલગ રીતોનું પરીક્ષણ કરી રહ્યું છે. પ્રથમ રીતમાં ચેટ બારની ઉપર એક નોટિફિકેશન દેખાશે, જેમાં તાજેતરના ફોટો અથવા વીડિયોનું થંબનેલ જોવા મળશે. જ્યારે બીજી રીતમાં ચેટ બારમાં રહેલા કેમેરા આઇકોનની જગ્યાએ થોડા સમય માટે ફોટો કે વીડિયોનું થંબનેલ દેખાઈ શકે છે. આ રીતે યુઝર્સ ચેટ સ્ક્રીન પર દેખાતા સૂચન પર ટેપ કરીને સીધા ફોટો કે વીડિયો શેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.
ભૂલથી ફોટો કે વીડિયો મોકલાઈ નહીં જાય
આ ફીચરની ખાસ વાત એ છે કે WhatsApp કોઈપણ ફોટો કે વીડિયો આપમેળે મોકલશે નહીં. યુઝરે મીડિયા સૂચન પર ટેપ કરવું પડશે. ત્યારબાદ ફોટો અથવા વીડિયો WhatsAppના ડ્રોઇંગ એડિટરમાં ખુલશે, જ્યાં તેને મોકલતા પહેલાં જોઈ શકાશે. યુઝર્સ ફોટો કે વીડિયોમાં કેપ્શન (Caption) અને સ્ટિકર (Sticker) પણ ઉમેરી શકશે. ત્યારબાદ જ તેને સામેની વ્યક્તિને મોકલી શકાશે. જો કોઈ યુઝર મીડિયા સૂચનને અવગણવા માંગે તો તે સામાન્ય રીતે ચેટિંગ ચાલુ રાખી શકે છે.
સ્ક્રીનશોટ અને ડાઉનલોડ કરેલા ફોટો પણ દેખાશે
Recent Media Suggestions ફીચર માત્ર કેમેરાથી લેવામાં આવેલા ફોટા સુધી મર્યાદિત નહીં રહે. અહેવાલ અનુસાર, તેમાં સ્ક્રીનશોટ (Screenshot), ડાઉનલોડ કરેલી તસવીરો અને અન્ય એપ્સમાંથી સેવ કરેલા વીડિયો પણ સામેલ થઈ શકે છે. એટલે કે ફોનની ગેલેરીમાં તાજેતરમાં ઉમેરાયેલું મીડિયા ચેટ દરમિયાન સૂચન તરીકે દેખાઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
WhatsAppનું નવું ફીચર કેવી રીતે બંધ કરશો?
WhatsApp આ ફીચરને પાત્ર યુઝર્સ માટે ડિફોલ્ટ રૂપે ચાલુ રાખી રહ્યું છે. જોકે, જો કોઈ યુઝરને ચેટ દરમિયાન ફોટો-વીડિયોના સૂચનો ન જોઈતા હોય તો તે તેને બંધ પણ કરી શકે છે. આ માટે WhatsAppની Settingsમાં જઈને Chats વિભાગ ખોલવો પડશે. અહીં Recent Media Suggestionsનો વિકલ્પ મળશે. તેને ડિસેબલ કર્યા બાદ ચેટ દરમિયાન મીડિયા સૂચનો દેખાવાનું બંધ થઈ જશે.
આ પણ વાંચો : દિવાળી પહેલાં મોંઘવારીનો માર, દૂધ-દાળથી ગેસ-પેટ્રોલ સુધી ભાવવધારાથી જનતા પરેશાન












