ગુજરાતટ્રેન્ડિંગબિઝનેસમધ્ય ગુજરાત

દિવાળી પહેલાં મોંઘવારીનો માર, દૂધ-દાળથી ગેસ-પેટ્રોલ સુધી ભાવવધારાથી જનતા પરેશાન

Diwali Inflation Price Hike : દિવાળીના તહેવાર પહેલાં જ મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડવા લાગ્યો છે. રોજિંદા વપરાશની ચીજવસ્તુઓથી લઈને રાંધણ ગેસ અને ઈંધણના ભાવમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવી નાખ્યું છે. એક તરફ દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વધતી મોંઘવારીને કારણે પરિવારો માટે તહેવારની ખુશી જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. દૂધ, ઘી, બટર, દાળ અને ચોખાના ભાવમાં વધારો થયો છે, જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ પણ ઊંચા સ્તરે પહોંચ્યા છે.

દિવાળીની ખરીદી મોંઘી, ઘી-દાળના ભાવમાં મોટો ઉછાળો

દિવાળીની વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા ઘી અને બટરના ભાવમાં અમૂલ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. એક કિલો ઘીના કાર્ટનના ભાવમાં રૂ.50નો વધારો થતાં તે રૂ.630થી વધીને રૂ.680 થયો છે. 500 ગ્રામ શુદ્ધ ઘીના પાઉચનો ભાવ રૂ.325થી વધીને રૂ.345 થયો છે. બટરના 100 ગ્રામ પેકેટમાં રૂ.3 અને 500 ગ્રામ પેકેટમાં રૂ.15નો વધારો નોંધાયો છે.

બીજી તરફ, તહેવારોના સમયે બજારમાં અસલી ઘીની અછત અને ભેળસેળની ફરિયાદો પણ સામે આવી રહી છે. દાળના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. તુવેર દાળનો ભાવ કિલોએ રૂ.100થી વધીને રૂ.130 થયો છે, જ્યારે મગની દાળ રૂ.120 અને ચણાની દાળ રૂ.95 પ્રતિ કિલોએ પહોંચી છે. અડદની દાળનો ભાવ પણ રૂ.105 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચોખાના ભાવમાં પણ તેજી, ગેસ અને ઈંધણ મોંઘાં

દાળની સાથે ચોખાના ભાવમાં પણ કિલોએ રૂ.20થી રૂ.25 સુધીનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.1.50 અને ઘરેલું પીએનજીના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસના ભાવવધારાની અસર રિક્ષાચાલકો, ટેક્સીચાલકો, સ્કૂલ વાનચાલકો અને નાના પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર પડી રહી છે. 1 નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ રૂ.10થી રૂ.17 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ આશરે રૂ.102 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ રૂ.82 પ્રતિ લિટરની આસપાસ છે. બીજી તરફ, અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં રૂ.2.30 પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે અમદાવાદમાં સીએનજીનો ભાવ રૂ.100.77 પ્રતિ કિલો થયો છે. છેલ્લા છ મહિનામાં સીએનજીના ભાવમાં ઓછામાં ઓછા છ વખત વધારો નોંધાયો છે.

મોંઘવારીથી મધ્યમ વર્ગની દિવાળી પર અસર

દિવાળીના તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે. મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે ઘરખર્ચની સાથે તહેવારની ખરીદી અને ઉજવણીનું આયોજન કરવું પડકારરૂપ બન્યું છે.

આ તરફ, તહેવારોની મોસમમાં કાળાબજાર, સંગ્રહખોરી અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિઓ વધવાની ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ભાવવધારાને નિયંત્રણમાં લેવા અને ગ્રાહકોને રાહત આપવા માટે અસરકારક પગલાંની જરૂરિયાત ઊભી થઈ છે. સતત વધતી મોંઘવારી વચ્ચે આ વર્ષે અનેક પરિવારોની દિવાળીની ઉજવણી ફિક્કી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : 70 વર્ષની ઉંમરે પણ ખેતીમાં નવા પ્રયોગો, 4 એકરમાંથી વર્ષે 5 લાખની કમાણી

Back to top button