અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નવા સરકારી અને ધાર્મિક બાંધકામો માટે મોટો નિયમ! સોલાર પેનલ નહીં હોય તો નહીં મળે BU પરમિશન

અમદાવાદ: શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં નિર્માણ પામતી નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ લગાવવી ફરજિયાત બનાવવામાં આવશે. પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી મનપા આ નિયમનો કડક અમલ કરાવવા જઈ રહી છે.

સોલાર પેનલ નહીં હોય તો BU પરમિશન અટકશે

AMC દ્વારા નવા બાંધકામોને લઈને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તેમને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન આપવામાં આવશે નહીં.

એટલે કે, ઇમારતનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ શરૂ કરવા માટે સોલાર સિસ્ટમ લગાવવી પણ અનિવાર્ય રહેશે. આ નિર્ણયને પગલે હવે સરકારી વિભાગો અને ધાર્મિક સંસ્થાઓએ નવી ઇમારતોના બાંધકામના પ્રારંભિક તબક્કાથી જ સોલાર પેનલ માટે જરૂરી આયોજન કરવું પડશે.

અત્યાર સુધીમાં 200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવાઈ

અમદાવાદમાં ધાર્મિક સ્થળોને પણ ગ્રીન એનર્જી સાથે જોડવા માટે AMC દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરની આશરે 200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે.

જ્યારે હજુ બાકી રહેલી અંદાજે 145 ધાર્મિક સંસ્થાઓમાં પણ આગામી સમયમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ અભિયાન દ્વારા વધુને વધુ ધાર્મિક સ્થળોને સ્વચ્છ ઊર્જા સાથે જોડવાનું આયોજન છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વીજળીના બિલમાં ઘટાડો અને પર્યાવરણને ફાયદો

સોલાર પેનલ લગાવવાથી ધાર્મિક સંસ્થાઓ અને સરકારી ઇમારતોમાં વીજળીના ખર્ચમાં ઘટાડો થઈ શકશે. સાથે જ પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

AMCના આ નિર્ણયથી અમદાવાદમાં ગ્રીન એનર્જી તરફનું પરિવર્તન વધુ વેગ પકડે તેવી શક્યતા છે. ખાસ કરીને નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ ફરજિયાત બનવાથી ભવિષ્યમાં શહેરની ઊર્જા જરૂરિયાતોનો કેટલોક હિસ્સો સૂર્યઊર્જા મારફતે પૂરો કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી જાહેરાત! વર્ષ 2027ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર, કર્મચારીઓને મળશે આટલી રજા

Back to top button