ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકારી અધિકારીને જ પગાર માટે ભીખ માંગવાનો વારો! 8 મહિનાથી સેલરી નહીં મળતાં મહિલા અધિકારી હાથમાં કટોરો લઈ ધરણા પર બેઠી

બિહાર: સરકારી કર્મચારીઓને સમયસર પગાર મળવો એ તેમનો અધિકાર છે, પરંતુ બિહારના બક્સરમાં એક મહિલા સરકારી અધિકારીને પોતાનો જ પગાર મેળવવા માટે અનોખો વિરોધ કરવાની ફરજ પડી છે. બ્રહ્મપુર બ્લોક કાર્યાલયની બહાર ગ્રામીણ વિકાસ પદાધિકારી અલ્પિતા સિંહ હાથમાં કટોરો લઈને ધરણા પર બેસી ગયાં હતાં. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા અધિકારીનો આક્ષેપ છે કે 11 મહિનાની નોકરી દરમિયાન તેમને માત્ર ત્રણ મહિનાનો જ પગાર મળ્યો છે, જ્યારે છેલ્લા આઠ મહિનાથી પગાર અટકાવી દેવામાં આવ્યો છે.

11 મહિનાની નોકરીમાં માત્ર 3 મહિનાનો પગાર મળ્યો

બિહારના બક્સર જિલ્લાના બ્રહ્મપુર બ્લોકમાં ગ્રામીણ વિકાસ પદાધિકારી તરીકે ફરજ બજાવતાં અલ્પિતા સિંહના જણાવ્યા અનુસાર, તેઓ સતત પોતાની વિભાગીય જવાબદારીઓ નિભાવી રહ્યાં છે. તેમ છતાં તેમને નિયમિત પગાર ચૂકવવામાં આવતો નથી.

તેમના કહેવા પ્રમાણે, લગભગ 11 મહિનાની સેવા દરમિયાન માત્ર ત્રણ મહિનાનો પગાર જ મળ્યો છે. બાકીના આઠ મહિનાનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી હતી. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં આખરે તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો હતો.

હાથમાં કટોરો લઈને બે દિવસ સુધી કર્યું વિરોધ પ્રદર્શન

પોતાનો જ પગાર મેળવવા માટે મહિલા અધિકારી અલ્પિતા સિંહ બ્રહ્મપુર બ્લોક કાર્યાલયની બહાર હાથમાં કટોરો લઈને ધરણા પર બેસી ગયાં હતાં. તેમણે સતત બે દિવસ સુધી આ રીતે વિરોધ નોંધાવ્યો હતો.

સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીને પગાર મેળવવા માટે કટોરો લઈને બેસવાની ફરજ પડી હોવાની તસવીરો સામે આવતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. અનેક લોકોએ આ ઘટનાને લઈને સરકારી તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થતાં તંત્ર દોડતું થયું

મહિલા અધિકારીના વિરોધની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બક્સર જિલ્લા પ્રશાસને સમગ્ર મામલાની નોંધ લીધી હતી. ત્યારબાદ જિલ્લા પ્રશાસને બ્રહ્મપુરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) પાસે ખુલાસો માગ્યો છે.

BDOને પૂછવામાં આવ્યું છે કે સંબંધિત મહિલા કર્મચારીનો પગાર કયા કારણોસર અટકાવવામાં આવ્યો છે? પગાર રોકવા પાછળ કયા નિયમો અથવા કારણો જવાબદાર છે અને આ નિર્ણય કયા સ્તરે લેવામાં આવ્યો હતો? આ તમામ મુદ્દે સ્પષ્ટીકરણ આપવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે કોઈપણ કર્મચારીનો પગાર નિર્ધારિત નિયમો અને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વિના અટકાવવો જોઈએ નહીં. આ મામલે જરૂરી વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

BDO અને મહિલા અધિકારી વચ્ચે વિવાદ હોવાની પણ ચર્ચા

આ સમગ્ર ઘટનાને પગલે વહીવટી વિભાગમાં પણ ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રહ્મપુરના BDO અને ગ્રામીણ વિકાસ પદાધિકારી અલ્પિતા સિંહ વચ્ચેના વિવાદને પણ પગારની ચુકવણીમાં વિલંબનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હાલમાં જિલ્લા પ્રશાસને BDO પાસેથી ખુલાસો માગીને તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. હવે સૌની નજર એ વાત પર છે કે BDO પોતાના ખુલાસામાં પગાર અટકાવવા પાછળ શું કારણ રજૂ કરે છે અને મહિલા અધિકારીને તેમના બાકી રહેલા આઠ મહિનાના પગારની ચુકવણી ક્યારે કરવામાં આવે છે.

આ પણ વાંચો: રશિયાનો યુક્રેન પર કાળજું કંપાવી દેતો હુમલો! રાહત સામગ્રી લેવા આવેલા નાગરિકો પર બે વાર બોમ્બમારો, 40નાં મોત

Back to top button