ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના ઘરમાં ભીષણ ગોળીબાર! શેરીફ વિભાગના એક ડેપ્યુટીનું મોત, અન્યની હાલત ગંભીર

Spokane County Shooting  :  અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં ઘરની અંદર થયેલા ભીષણ ગોળીબારમાં પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્પોકેન કાઉન્ટીમાં થયેલી આ ઘટનામાં શેરીફ વિભાગના એક ડેપ્યુટીનું મોત થયું છે, જ્યારે અન્ય એક ડેપ્યુટીની હાલત અત્યંત ગંભીર છે. તેમને જીવનરક્ષક પ્રણાલી (Life Support) પર રાખવામાં આવ્યા છે. આ ગોળીબારમાં શંકાસ્પદ આરોપી સહિત અન્ય બે લોકોનાં પણ મોત થયાં છે. અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

ભાઈએ મહિલાને મારી હતી ગોળી

સ્પોકેન કાઉન્ટી શેરીફ ઓફિસના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે સ્પોકેન શહેરની દક્ષિણે આવેલા સ્પેંગલ નામના વિસ્તારમાં એક મહિલાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેના ભાઈએ તેને ગોળી મારી છે. માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શંકાસ્પદ વ્યક્તિ સામે ગંભીર ગુનાના કેસમાં ધરપકડ વોરંટ (Arrest Warrant) જારી કરવામાં આવ્યું હતું. ઘરમાં અન્ય લોકો પણ મુશ્કેલીમાં હોવાની આશંકા હતી. આથી SWAT ટીમ અને અન્ય ડેપ્યુટીઓએ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ઘરની અંદરથી અચાનક શરૂ થયું ફાયરિંગ

પોલીસ ટીમ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અંદરથી અચાનક ગોળીબાર શરૂ થયો હતો. આ હુમલામાં બે ડેપ્યુટીઓને ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શેરીફ ઓફિસના નિવેદન અનુસાર, મંગળવારે રાત્રે એક ડેપ્યુટીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બીજા ડેપ્યુટીને બુધવારે લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમના અંગોનું દાન (Organ Donation) કરવાની પ્રક્રિયા માટે તેમને જીવનરક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યા હતા.

મૃતક ડેપ્યુટીના પરિવારમાં પત્ની અને બે બાળકો

શેરીફ જોન નોવેલ્સે જણાવ્યું હતું કે બંને ડેપ્યુટી SWAT ટીમના યુવા સભ્યો હતા. મૃતક ડેપ્યુટીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. જોકે, અધિકારીઓએ બંને ડેપ્યુટીનાં નામ જાહેર કર્યાં નથી. શેરીફ ઓફિસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ડેપ્યુટીઓ પોતાની ફરજ દરમિયાન રહેલા જોખમોથી વાકેફ હતા, તેમ છતાં અજાણ્યા લોકોની સુરક્ષા માટે જોખમનો સામનો કરવા આગળ વધ્યા હતા. તેમણે સંપૂર્ણ નિષ્ઠા અને બહાદુરી સાથે પોતાની ફરજ નિભાવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જવાબી ફાયરિંગમાં આરોપી સહિત ત્રણ લોકોનાં મોત

પોલીસ અધિકારીઓએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ઘરની અંદરથી શંકાસ્પદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની અંદરથી અન્ય એક વ્યક્તિ અને ઘરની બહારના આંગણામાંથી પણ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ, આ ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ આરોપી સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. જોકે, મૃતકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, શરૂઆતમાં પોતાના ભાઈએ ગોળી મારી હોવાની જાણ કરનાર મહિલાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાને થયેલી ઈજાઓ જીવલેણ નથી. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : Virat Kohli Birthday: વિરાટ કોહલી પાસે છે ICCના 10 મોટા એવોર્ડ, એક ખિતાબ તો એવો જે કોઈની પાસે નથી

Back to top button