અમદાવાદમાં જૂના મકાનો તોડવા માટે નવી પોલિસી: ડિમોલિશનના 7 દિવસ પહેલાં AMCને જાણ કરવી ફરજિયાત

અમદાવાદ: શહેરમાં જૂના અને જર્જરિત મકાનો તોડીને નવાં બાંધકામ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. અત્યાર સુધી ડિમોલિશનની કામગીરી માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો ન હોવાથી અનેક સ્થળોએ આડેધડ કામગીરી થતી હતી. જેના કારણે રસ્તા પર દબાણ, ટ્રાફિકની સમસ્યા અને હવાના પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઊભા થતા હતા. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-2026’ તૈયાર કરવામાં આવી છે.
નવી પોલિસી અમલમાં આવ્યા બાદ શહેરમાં જૂનાં મકાનો કે અન્ય બાંધકામો તોડતાં પહેલાં નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવું પડશે. ખાસ કરીને ડિમોલિશન શરૂ કરવાના ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં મિલકત માલિકે ફોટોગ્રાફ્સ અને જરૂરી વિગતો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી ફરજિયાત રહેશે.
દિવસ દરમિયાન જ ડિમોલિશન કરી શકાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, નવી પોલિસી હેઠળ ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે.
ડિમોલિશન શરૂ કરતાં પહેલાં સાત દિવસ અગાઉ AMCને જાણ કરવાની રહેશે. આ સાથે બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા, બાંધકામનો ઉપયોગ સહિતની જરૂરી વિગતો પણ રજૂ કરવી પડશે. બાંધકામના વિસ્તાર અને ઊંચાઈના આધારે ડિમોલિશન સાઇટનું પાંચ શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જે મુજબ અલગ-અલગ નિયમો લાગુ પડશે.
ધૂળ અને પ્રદૂષણ અટકાવવા ખાસ વ્યવસ્થા
ડિમોલિશન દરમિયાન હવામાં ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટે ખાસ તકેદારી રાખવી પડશે. સાઇટ પર ડસ્ટ બેરિયર, વિન્ડશિલ્ડ, પાણીનો છંટકાવ અને રસ્તાઓની નિયમિત સફાઈ ફરજિયાત રહેશે. કટિંગ, ગ્રાઇન્ડિંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી દરમિયાન પણ ધૂળ નિયંત્રણની વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે.
આ ઉપરાંત પાણી, વીજળી અને ગેસનાં જોડાણો અંગે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે. ડિમોલિશનથી નીકળતા કાટમાળને ઢાંકીને રાખવો પડશે અને 48 કલાકમાં તેનો નિકાલ કરવાનો રહેશે. કાટમાળને અધિકૃત પ્રોસેસિંગ સુવિધા સુધી પહોંચાડવો અને તેની નોંધ માટે લોગબુક જાળવવી પણ જરૂરી રહેશે.
હાઈરાઇઝ બાંધકામ તોડવા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી જરૂરી
નવી પોલિસીમાં કામદારો અને આસપાસના લોકોની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાઈરાઇઝ બાંધકામ તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની હાજરી ફરજિયાત રહેશે. ડિમોલિશન સાઇટ પર ચેતવણીનાં બોર્ડ, બેરિકેડ અને સેફ્ટી નેટ લગાવવાં પડશે.
શ્રમિકોને હેલ્મેટ, સેફ્ટી બૂટ સહિતનાં સુરક્ષા સાધનો પૂરાં પાડવાની જવાબદારી પણ સંબંધિત માલિક, કોન્ટ્રાક્ટર અથવા એજન્સીની રહેશે. સાથે જ ડ્રેનેજ, પાણીની લાઇનો અને આસપાસની મિલકતોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી પડશે. ડિમોલિશન દરમિયાન આસપાસની મિલકતોને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી માલિક અને સંબંધિત લોકોની રહેશે.
ઓછામાં ઓછા 15 ટકા કાટમાળનો પુનઃઉપયોગ કરવો પડશે
ડિમોલિશન પોલિસીમાં કાટમાળના રિસાઇકલિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઊંચી શ્રેણીમાં આવતા બાંધકામના ડિમોલિશનમાંથી નીકળતા ઓછામાં ઓછા 15 ટકા કાટમાળનો પુનઃઉપયોગ કરવાનો રહેશે. જોકે, આ કાટમાળના પુનઃઉપયોગથી નવા બાંધકામની ગુણવત્તા કે નિર્ધારિત માપદંડો પર કોઈ અસર ન થાય તેની તકેદારી રાખવી પડશે.
AMC દ્વારા કાયદા હેઠળ કરાતી તોડફોડને મુક્તિ
નવી પોલિસી હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ, ટાઉન પ્લાનિંગ અધિનિયમ અથવા અન્ય કાયદા હેઠળ કરવામાં આવતી ડિમોલિશનની કામગીરીને મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવતી તોડફોડ પર આ પોલિસી લાગુ નહીં પડે.
કોને લાગુ પડશે નવી ડિમોલિશન પોલિસી?
આ પોલિસીનો અમલ માત્ર મિલકત માલિકો પૂરતો મર્યાદિત નહીં રહે. તેમાં ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, AMCમાં નોંધાયેલા એન્જિનિયર્સ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રોજેક્ટ એજન્સીઓ, યુટિલિટી સર્વિસ એજન્સીઓ, કાટમાળના પરિવહનકારો અને અધિકૃત પ્રોસેસિંગ યુનિટોએ પણ સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.
નવી પોલિસીનો મુખ્ય હેતુ જૂનાં બાંધકામો તોડવાની કામગીરીને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાનો, ધૂળ-પ્રદૂષણ ઘટાડવાનો તથા કાટમાળના યોગ્ય નિકાલ અને પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નવા સરકારી અને ધાર્મિક બાંધકામો માટે મોટો નિયમ! સોલાર પેનલ નહીં હોય તો નહીં મળે BU પરમિશન











