દિવાળી પહેલાં અમદાવાદમાં દારૂની મોટી ખેપ ઝડપાઈ! બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી 1,800 બોટલ દારૂ-બિયરની હેરાફેરી

અમદાવાદ: દિવાળીના તહેવાર દરમિયાન દારૂની માંગને પહોંચી વળવા માટે લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો અમદાવાદના એસ.જી. હાઈવે પરથી ઝડપાયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે નીરમા યુનિવર્સિટી સામે વોચ ગોઠવીને બોગસ નંબર પ્લેટ ધરાવતી કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,800 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.4.52 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ડીસાના કારચાલકની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસને મળેલી બાતમીના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત્રે એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજથી આગળ નીરમા યુનિવર્સિટી સામેના જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી સફેદ રંગની કારને પોલીસે અટકાવી હતી.
કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ચેતન માળી (ઉંમર 44 વર્ષ, રહે. ડીસા, બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 1,800 બોટલો મળી આવી હતી. આ જથ્થાની કિંમત રૂ.4,52,736 હોવાનું સામે આવ્યું હતું.
વધુ તપાસ દરમિયાન કાર પર બોગસ નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10,57,736નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શામળાજીથી દારૂ લાવી ગુલબાઈ ટેકરા પહોંચાડવાનો હતો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી ચેતન માળીએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી શામળાજી સરહદ પરથી લાવવામાં આવ્યો હતો.
આ દારૂનો જથ્થો અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી સોનલ નામની મહિલાને પહોંચાડવાનો હતો. જોકે, ડિલિવરી થાય તે પહેલાં જ સોલા હાઈકોર્ટ પોલીસે દારૂની ખેપ ઝડપી પાડી હતી.
દારૂ મંગાવનાર અને મેળવનાર સામે પણ ગુનો
આ મામલે પોલીસે કારચાલક ચેતન માળીની ધરપકડ કરી છે. સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબે અને દારૂનો જથ્થો મેળવનાર ગુલબાઈ ટેકરાની સોનલ નામની મહિલા સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં પોલીસ આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ કરી રહી છે.












