ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

દિવાળીએ પિયર પધારે છે માતાજી! અમદાવાદની પોળમાં 150 વર્ષ જૂની અનોખી પરંપરા

Mataji Piyar Tradition :   અમદાવાદની પોળો માત્ર જૂની હવેલીઓ અને ઐતિહાસિક સ્થાપત્યો માટે જ નહીં, પરંતુ વર્ષોથી જળવાઈ રહેલી અનોખી પરંપરાઓ માટે પણ જાણીતી છે. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી વનમાળી વાંકાની પોળમાં દિવાળીના પર્વ દરમિયાન આવી જ એક ભાવનાત્મક પરંપરા આજે પણ નિભાવવામાં આવે છે. અહીં માતાજીને દીકરી માનવામાં આવે છે અને દર વર્ષે દિવાળીએ તેમને પિયર તેડી લાવવામાં આવે છે. આશરે 150 વર્ષથી ચાલી આવતી આ પરંપરા પોળના રહીશોની અખંડ શ્રદ્ધા અને પારિવારિક લાગણીનું પ્રતીક બની છે.

શરદ પૂનમ પહેલાં જ માતાજીને અપાય છે આમંત્રણ

વનમાળી વાંકાની પોળના રહીશો દર વર્ષે શરદ પૂનમ પહેલાંની ચૌદશે ઢોલના નાદ સાથે વાજતે-ગાજતે માતાજીને આમંત્રણ આપવા જાય છે. આ દરમિયાન માતાજીને બેસતા વર્ષના દિવસે પિયર પધારવાની ભાવભીની વિનંતી કરવામાં આવે છે. રહીશો જાણે પોતાની દીકરીને તેડવા જતા હોય તેમ માતાજીને કહે છે કે, બેસતા વર્ષના દિવસે તૈયાર રહેજો, તમારા પિયરિયા તમને લેવા આવશે. ત્યારબાદ બેસતા વર્ષના દિવસે ફરી ઢોલના નાદ સાથે રહીશો માતાજીના મંદિરે પહોંચે છે અને તેમને પોતાની પોળમાં તેડી લાવે છે. પોળમાં માતાજીની સ્થાપના કર્યા બાદ લાભ પાંચમ સુધી તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠના દિવસે માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવે છે.

માતાજીનું મંદિર છે તેમનું સાસરું

આ પરંપરા પાછળ એક સુંદર પારિવારિક માન્યતા જોડાયેલી છે. સ્થાનિક અગ્રણી જયેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, પોળમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી વડીલોએ આશરે 150 વર્ષ પહેલાં આ પરંપરા શરૂ કરી હતી. શાહપુરમાં હલીમની ખડકી પાસે આવેલી વસ્તાધેલજીની પોળમાં માતાજીનું મંદિર તેમનું સાસરું માનવામાં આવે છે. જ્યારે વનમાળી વાંકાની પોળને તેમનું પિયર માનવામાં આવે છે. આથી દર વર્ષે દિવાળીના પર્વે માતાજીને દીકરીની જેમ પિયર તેડી લાવવાની પરંપરા જળવાઈ રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

150 વર્ષ જૂની અખંડ માંડવી છે ખાસ આકર્ષણ

માતાજીની સ્થાપના સાથે તેમની આગળ માંડવીની પણ સ્થાપના કરવામાં આવે છે. આ માંડવી પણ આશરે દોઢસો વર્ષ જૂની હોવાનું સ્થાનિક અગ્રણીઓ જણાવે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તે અખંડ માંડવી (Traditional Mandvi) છે. આ માંડવી તૈયાર કરવા માટે તેમાં એક પણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લાકડાને વિશેષ રીતે કોતરીને અને આકાર આપીને તેનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ રચના પોળની પરંપરાગત કારીગરી અને વારસાની ઓળખ સમાન છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પેઢી દર પેઢી આગળ વધી રહી છે પરંપરા

વનમાળી વાંકાની પોળમાં દિવાળી દરમિયાન નિભાવાતી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ માતાજીને પરિવારની દીકરી માનવાની અનોખી ભાવનાનું પ્રતીક છે. ઢોલના નાદ સાથે આમંત્રણ આપવાથી લઈને પિયર તેડી લાવવા અને વિદાય આપવા સુધીની દરેક વિધિમાં રહીશોની લાગણી જોડાયેલી છે. આશરે 150 વર્ષથી પેઢી દર પેઢી આગળ વધતી આ પરંપરા આજે પણ અમદાવાદની પોળ સંસ્કૃતિ (Pol Culture) અને શહેરના ધાર્મિક વારસા (Cultural Heritage)ની આગવી ઓળખ જાળવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત! વર્ષ 2027ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર, કર્મચારીઓને મળશે આટલી રજા

Back to top button