
Jodhpur Central Jail Refuses Entry to Asaram: સગીર વયની બાળકી પર જાતીય સતામણી અને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ અંગે જોધપુરથી એક મોટો અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. 20 દિવસના મેડિકલ પેરોલની મુદત પૂરી થયા બાદ એર એમ્બ્યુલન્સ મારફતે જોધપુર પહોંચેલા આસારામને જેલ વહીવટીતંત્રે જોધપુર સેન્ટ્રલ જેલમાં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સમય મર્યાદામાં જેલ પહોંચવામાં નિષ્ફળ રહેતાં જેલ અધિક્ષકે આ મામલે રતનાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલીને આસારામ વિરુદ્ધ FIR નોંધવા સત્તાવાર વિનંતી કરી છે.
સમય મર્યાદા ચૂકી ગયા આસારામ
સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર આસારામની પેરોલની મુદત લંબાવવાની અરજી ફગાવી દીધી હતી અને મંગળવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કરવા આકરો નિર્દેશ આપ્યો હતો. જોકે, આસારામ રાત્રે 10:30 વાગ્યે જોધપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને નિર્ધારિત સમય કરતાં ઘણા મોડા જેલના દરવાજે પહોંચ્યા હતા. સમયસર આત્મસમર્પણ ન કરવાના કારણે જેલ તંત્રે તેમને કાયદાકીય નિયમોનું પાલન કરીને અંદર લેવાની મનાઈ ફરમાવી દીધી હતી. પોલીસ કમિશનરના નિર્દેશ મળ્યા બાદ આ સમગ્ર મામલે કાયદેસરની FIR દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ઉજ્જૈનમાં ચાલી રહી હતી સારવાર
આસારામ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલી સરકારી ધન્વંતરી આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ હતા અને સારવાર હેઠળ હતા. 6 ઓક્ટોબરના રોજ રાજસ્થાન હાઈકોર્ટે તેમને તબીબી સારવાર અર્થે 20 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા, જેની મુદત આજે પૂર્ણ થઈ રહી હતી. આસારામના વકીલે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેમની તબિયત નાજુક હોવાથી અને સારવાર અધૂરી હોવાથી પેરોલની મુદત વધારવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટે મુદત લંબાવવાનો ઇનકાર કરી દીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્વાસ્થ્ય અને કાયદાકીય તપાસ અંગે સુપ્રીમ કોર્ટના આદેશો
સુપ્રીમ કોર્ટે આ કાયદાકીય બાબતો વચ્ચે રાજસ્થાન સરકારને આસારામના સ્વાસ્થ્યની જરૂરી કાળજી લેવા અને યોગ્ય તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. જોકે, સમયસર જેલમાં સરેન્ડર ન કરીને પેરોલના નિયમોનો ભંગ કરવા બદલ હવે આસારામ સામે નવી કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ છે. રતનાડા પોલીસ સ્ટેશન દ્વારા FIR નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પંજાબમાં AAPનાં સરપંચના દીકરાની ધોળા દિવસે ગોળી મારી હત્યા! ગુરુદ્વારામાં માથું ટેકવા ગયો હતો, મિત્ર પણ ઘાયલ












