કેન્સરની મોંઘી દવાઓ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: કેન્દ્ર સરકાર અને ખાનગી હોસ્પિટલો સામે આકરા પ્રશ્નો

Supreme Court Cancer Drug Prices: કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓની દવાઓના ઊંચા ભાવ અને કિંમતમાં થઈ રહેલી મનમાનીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ખાનગી હોસ્પિટલો સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે અગાઉ અનેકવાર સવાલો પૂછવા છતાં સરકાર તરફથી દવાઓના ભાવમાં નોંધપાત્ર ફેરફાર અને રાહત અંગે કોઈ સંતોષકારક કે નક્કર જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. ન્યાયાલયે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે દર્દીઓની લાચારીનો ફાયદો ઉઠાવીને ચાલતી આ નફાખોરી હવે સાંખી લેવામાં આવશે નહીં.
સરકારની દલીલ પર કોર્ટનો આકરો સવાલ
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી પક્ષ રજૂ કરતા જણાવવામાં આવ્યું કે કેન્સરની દવાઓ પર નક્કી કરાયેલી 30 ટકા ટ્રેડ માર્જિન મર્યાદા રિટેલરના વેચાણ ભાવ (PTR) પર નહીં, પરંતુ મહત્તમ છૂટક કિંમત (MRP) પર લાગુ થાય છે અને સરકાર તમામ પક્ષોના હિતોનું સંતુલન કરી રહી છે. આ દલીલ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે આકરા પ્રશ્નો પૂછ્યા કે, “અહીં કોઈ પ્રકારનું સંતુલન નથી.” કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જે દવાઓની મહત્તમ છૂટક કિંમત ₹100 હોય, તે રિટેલર્સને માત્ર ₹10 થી ₹20 માં કેમ વેચવામાં આવે છે અને સરકારે આવી અનિયંત્રિત કિંમત-નિર્ધારણ પ્રણાલીને શા માટે છૂટ આપી છે?
ખાનગી હોસ્પિટલોની નફાખોરી પર સવાલો
કોર્ટે ખાનગી હોસ્પિટલોની ભારે ભરખમ વસૂલાત સામે લાલ આંખ કરતા કહ્યું કે હોસ્પિટલો દર્દીઓ પાસેથી મેડિકલ સેવાઓ માટે નાણાં વસૂલે તે સમજી શકાય છે, પરંતુ દવાઓની કિંમત તેના વાસ્તવિક નિર્ધારિત ખર્ચ કરતા 100 કે 200 ગણી વધુ વસૂલવી ક્યારેય વાજબી ઠેરવી શકાય નહીં. ન્યાયાલયે હોસ્પિટલોને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે તેઓએ પોતાના ઓપરેશન્સ અને વ્યવસાયનો ખર્ચ અન્ય વ્યાજબી માધ્યમો દ્વારા કાઢવો જોઈએ, દર્દીઓને લૂંટીને નહીં.
ખાનગી હોસ્પિટલો વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કરી બચાવમાં દલીલ
ખાનગી હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે દેશની જાહેર આરોગ્ય પ્રણાલી પર ભારે બોજ હોવાથી ખાનગી હોસ્પિટલોની અનિવાર્ય જરૂરિયાત રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખાનગી હોસ્પિટલોની આવકનો મોટો હિસ્સો વીમા અને સરકારી આરોગ્ય યોજનાઓમાંથી આવે છે, જ્યારે ઓપીડી (આઉટપેશન્ટ) દર્દીઓનું પ્રમાણ આશરે 30 ટકા જેટલું હોય છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે બજારમાં નકલી દવાઓના જોખમને કારણે હોસ્પિટલો દર્દીઓને બહારથી દવાઓ લાવવાનું કહી શકતી નથી અને ચોવીસ કલાક અદ્યતન સુવિધાઓ જાળવી રાખવા માટે પણ મોટો ખર્ચ કરવો પડે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માળખાગત સુવિધાઓના નામે દર્દીઓની આર્થિક લૂંટ અસ્વીકાર્ય
બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે હોસ્પિટલોની સેવાઓ અને માળખાગત ખર્ચ પોતાની જગ્યાએ યોગ્ય છે, પરંતુ તેના નામે દર્દીઓ પર દવાઓના ભાવના સ્વરૂપમાં 100 થી 200 ગણો વધારાનો બોજ નાખવો બિલકુલ ગેરવ્યાજબી છે. કોર્ટના આ કડક વલણને કારણે હવે આગામી દિવસોમાં કેન્સરની દવાઓના ભાવ નિયંત્રણ અંગે મોટા નીતિગત ફેરફારો થવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચો: દિલ્હીમાં 1 નવેમ્બરની રેલી માટે પોલીસના કડક નિયમો, સાંજે 5 વાગ્યા સુધી જ કાર્યક્રમ!












