Ahmedabad : કાલુપુરના રસ્તાનું થશે વિસ્તરણ, 30 મીટર પહોળાઈનું આયોજન
Ahmedabad : અમદાવાદના ઐતિહાસિક કાળુપુર રેલવે સ્ટેશનના થઈ રહેલા ભવ્ય પુનર્વિકાસને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્ટેશન તરફ જતા એપ્રોચ રોડને અત્યંત પહોળો અને ટ્રાફિકમુક્ત બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. સારંગપુર સર્કલથી ડીસીપી (DCP) ઝોન-3 કચેરી સુધીના હાલના 18 મીટર પહોળા રસ્તાને વધારીને 30 મીટર પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂચિત રોડલાઇનમાં આવતી 17 જેટલી મિલકતોને કાયદેસરની પ્રક્રિયા બાદ દૂર કરવામાં આવશે, જેના થકી કુલ 2,965 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા માર્ગ વિસ્તરણ માટે મેળવવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
GPMC એક્ટની કલમ 210 હેઠળ વાંધા-સૂચનો મંગાવાયા
AMC દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ (GPMC) એક્ટની કલમ 210 હેઠળ રોડલાઇનની સત્તાવાર જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. માર્ગ વિસ્તરણ હેઠળ અસરગ્રસ્ત બનતી 17 મિલકતોના ધારકો તેમજ જાહેર જનતા પાસેથી કાયદાકીય નિયમો મુજબ વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ કાનૂની સુનાવણી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મિલકતો પર ડિમોલિશન સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાશે.
દૈનિક 3.12 લાખ મુસાફરોની અવરજવરને પહોંચી વળવા માસ્ટરપ્લાન
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા કાળુપુર સ્ટેશનનું અત્યાધુનિક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવસર્જન ચાલી રહ્યું છે. આગામી સમયમાં સ્ટેશનેથી દૈનિક આશરે 3.12 લાખ મુસાફરોની અવરજવર થવાનો અંદાજ છે. બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અને ભારતીય રેલવેના ત્રિવેણી સંગમ સમાન આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવાના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની ભયંકર સમસ્યા ન સર્જાય તે માટે અત્યારથી જ રસ્તાઓ પહોળા કરવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચો:‘આવી બેટિંગ જિંદગીમાં ક્યારેય નથી જોઈ’, ભારતની જીત બાદ શ્રેયસ અય્યર પણ દંગ!
રોજી સિનેમા તરફની ભાડાપટ્ટાની દુકાનો ખાલી કરાવવા નોટિસો જારી
માર્ગને અવરોધમુક્ત કરવાના આયોજનના ભાગરૂપે સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની દુકાનો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે. ભાડા કે પરમિટના આધારે ફાળવાયેલી આ દુકાનોની જગ્યા તાત્કાલિક પરત સોંપવા માટે વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી છે. આ વિસ્તારોમાંથી દબાણો દૂર થતાં કાળુપુર સ્ટેશન તેમજ સારંગપુર દરવાજા તરફનો વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુગમ બનશે.
આ પણ વાંચો: ‘આવી બેટિંગ જિંદગીમાં ક્યારેય નથી જોઈ’, ભારતની જીત બાદ શ્રેયસ અય્યર પણ દંગ!












