AMCની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો: આઉટસોર્સિંગ ભરતી, પીરાણા ડ્રેનેજ દુર્ઘટના અને આધાર કાર્ડના સર્વર ધાંધિયા મુદ્દે શાસકો ઘેરાયા

AMC Meeting Controversy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની મળેલી સામાન્ય સભામાં શહેરીજનોના પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ સભા દરમિયાન કોર્પોરેશનની ભરતી પ્રક્રિયા, સ્ટ્રીટ લાઈટના ટેન્ડર કૌભાંડ, ફૂડ સેફટી વિભાગની નિષ્ક્રિયતા, આધાર કાર્ડ સેન્ટરો પર સર્વર ડાઉન રહેવાથી પડતી હાલાકી તેમજ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાની દુકાનોને અપાયેલી પરમિશન જેવા ગંભીર મુદ્દાઓ પર શાસક પક્ષ અને અધિકારીઓની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
આઉટસોર્સિંગ ભરતી સામે ગંભીર સવાલો
દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ મેયર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મનપામાં હાલ આઉટસોર્સિંગના માધ્યમથી મોટા પાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આશરે 9000 થી 10,000 લોકો આઉટસોર્સિંગથી રાખવામાં આવ્યા છે. જ્યારે પણ કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે કોઈને કોઈ કારણસર તેને મોકૂફ રાખી દેવામાં આવે છે, જે શાસક પક્ષની નિષ્ફળતા દર્શાવે છે. એક તરફ રાજ્યના યુવક-યુવતીઓ બેરોજગાર છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનમાં 1,500 થી વધુ નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને તેમણે તીખા સવાલો ઊભા કર્યા હતા.
પીરાણા ડ્રેનેજ દુર્ઘટના ગુનાહિત કૃત્ય
શહેરના પીરાણા વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઇનની ગટરની ચકાસણી કે ઢાંકણ ન હોવાને કારણે દસ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનાને 17 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. નીરવ બક્ષીએ આ ઘટનાને ગુનાહિત કૃત્ય ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત શહેરની સ્ટ્રીટ લાઇટોના ટેન્ડરમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ એક જ ચોક્કસ કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે કાવતરું રચાયું છે, જેથી આ શંકાસ્પદ ટેન્ડર તાત્કાલિક રદ કરીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરવામાં આવે.
દરેક ઝોનમાં ફૂડ લેબોરેટરી ઊભી કરવા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવાની માંગ
કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મનપાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા માત્ર દેખાડા માટે ચેકિંગ કરવામાં આવે છે પરંતુ વેપારીઓ સામે કડક દંડાત્મક પગલાં લેવાતા નથી. બજારમાં મોટા પાયે ભેળસેળયુક્ત વસ્તુઓ વેચાઈ રહી છે પરંતુ સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવવામાં ઘણો સમય વીતી જાય છે અને સ્થળ પર ટેસ્ટિંગ માટે કોઈ આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ નથી. આ સમસ્યાના નિવારણ માટે શહેરના તમામ ઝોનમાં અદ્યતન ફૂડ લેબોરેટરી ઊભી કરવાની ભારપૂર્વક માંગ કરવામાં આવી હતી.
નોન-ટીપી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને આધાર કેન્દ્રોના સર્વર ધાંધિયા
ખાડિયા વોર્ડના કોર્પોરેટર ડો. નાઝનીન પઠાણે એસ્ટેટ વિભાગની ભરતી અને જીમ-સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે આપીને ઊંચા ચાર્જ વસૂલાતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે મકતમપુરા વોર્ડના કોર્પોરેટર નૂર જહા દેવાએ જણાવ્યું હતું કે મકતમપુરા વિસ્તારમાં આશરે 65 ટકા વિસ્તાર નોન-ટીપી (Non-TP) છે, જ્યાં નાગરિકોને ગટર ઉભરાવાની અને પાયાની સુવિધાઓનો અભાવ જેવી ગંભીર સમસ્યાઓ સતાવી રહી છે. બીજી તરફ, મકતમપુરા વોર્ડના જ ઝેન-ઝી (Gen-Z) કોર્પોરેટર નાદિયા પઠાણે આધાર કાર્ડ સેન્ટરો પર સર્વર સતત ડાઉન રહેવાની ગંભીર સમસ્યા રજૂ કરી હતી. નાગરિકો કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહે છે અને વારો આવતા જ સર્વર ડાઉન થઈ જાય છે, જેથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે વાઇફાઇ સુવિધા વધારવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત ‘નલ સે જલ’ યોજનામાં નાગરિકોએ નાણાં ભરવા છતાં કનેક્શન ન મળ્યા હોવાનો મુદ્દો પણ ગાજ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રહેણાંક વિસ્તારોમાં ફટાકડાની દુકાનો અને સોના-ચાંદીની ભઠ્ઠીઓ સામે પ્રદૂષણની ફરિયાદો
ખાડિયા વોર્ડના કોર્પોરેટર બિન્ધુબેને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ફૂટપાથો પર વ્યાપક દબાણો હોવાથી રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. વધુમાં, ગીચ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાની દુકાનો ધમધમી રહી છે અને તેમને કેવી રીતે બીયુ (BU) પરમિશન આપવામાં આવી છે તે તપાસનો વિષય છે. ભૂતકાળમાં ખાડિયા વિસ્તારમાં આગ લાગવાની ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, ત્યારે આવી જોખમી દુકાનોમાં ફરી આગ લાગશે તો જવાબદારી કોની રહેશે? વળી, રહેણાંક વિસ્તારોમાં સોના-ચાંદીની ભઠ્ઠીઓ ચાલવાને કારણે ફેલાતા ભારે પ્રદૂષણ સામે હેલ્થ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
વિપક્ષના નેતા વિનાની કોંગ્રેસની રજૂઆતો ધારદાર ન નીવડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રજાના પ્રશ્નોને લઈને અનેક મહત્વના મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા હતા, પરંતુ સદનમાં પક્ષ તરફથી વિપક્ષના કાયમી નેતાની ગેરહાજરી સ્પષ્ટપણે વર્તાઈ હતી. રાજકીય વિશ્લેષકોના મતે, વિપક્ષના નેતા વિના લડાઈ લડી રહેલી કોંગ્રેસના કોર્પોરેટરોની રજૂઆતો શાસક ભાજપ સમક્ષ ધારદાર રીતે ઊભી રહી શકી નહોતી, જેના કારણે જનતાના અવાજને જે વજન મળવું જોઈએ તે મળી શક્યું નહોતું.
આ પણ વાંચો: Ahmedabad : કાલુપુરના રસ્તાનું થશે વિસ્તરણ, 30 મીટર પહોળાઈનું આયોજન












