ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનશે માનસ રંજન પાઠક? સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મોટી ભલામણ

Gujarat High Court Chief Justice: ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ માનસ રંજન પાઠકના નામની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. સોમવાર, 26 ઓક્ટોબર 2026ના રોજ કોલેજિયમે ગુજરાત ઉપરાંત દિલ્હી, તેલંગાણા અને ઉત્તરાખંડ હાઈકોર્ટ માટે પણ નવા મુખ્ય ન્યાયાધીશોનાં નામની ભલામણ કરી હતી. જોકે આ ભલામણો બાદ કેન્દ્ર સરકારની સત્તાવાર પ્રક્રિયા અને નિમણૂકની અધિસૂચના જાહેર થવાની બાકી છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે માનસ રંજન પાઠકનું નામ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળના કોલેજિયમે ચાર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણો કરી છે. આ કોલેજિયમમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બી.વી. નાગરત્ના પણ સામેલ છે. જસ્ટિસ માનસ રંજન પાઠક મૂળ ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ છે. તેઓ સપ્ટેમ્બર 2026થી ગુજરાત હાઈકોર્ટમાં કાર્યરત છે. હવે તેમની ગુજરાત હાઈકોર્ટના નિયમિત મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ થતાં રાજ્યના ન્યાયતંત્રમાં મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે.

હાલમાં ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ છે પાઠક

ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર જસ્ટિસ માનસ રંજન પાઠકને હાલમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (Acting Chief Justice) તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે 14 સપ્ટેમ્બર 2026ના રોજ ઓડિશા હાઈકોર્ટમાંથી બદલી થયા બાદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલે તેમને પદના શપથ લેવડાવ્યા હતા. હવે કોલેજિયમની ભલામણ સ્વીકારવામાં આવે તો તેઓ નિયમિત મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થઈ શકે છે.

દિલ્હી, તેલંગાણા અને ઉત્તરાખંડ માટે પણ ભલામણ

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત સિવાય અન્ય ત્રણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદ માટે પણ નામોની ભલામણ કરી છે.

હાઈકોર્ટ ભલામણ કરાયેલા ન્યાયાધીશ
ગુજરાત જસ્ટિસ માનસ રંજન પાઠક
દિલ્હી જસ્ટિસ પી. સામ કોશી
તેલંગાણા જસ્ટિસ તપાબ્રત ચક્રવર્તી
ઉત્તરાખંડ જસ્ટિસ સુધીર સિંહ

જસ્ટિસ પી. સામ કોશી હાલમાં તેલંગાણા હાઈકોર્ટમાં કાર્યરત છે અને તેઓ મૂળ છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ છે. જસ્ટિસ તપાબ્રત ચક્રવર્તી કોલકાતા હાઈકોર્ટમાં કાર્યરત છે, જ્યારે જસ્ટિસ સુધીર સિંહ પટણા હાઈકોર્ટના ન્યાયાધીશ છે.

કોણ છે જસ્ટિસ માનસ રંજન પાઠક?

જસ્ટિસ માનસ રંજન પાઠકનો જન્મ 28 ઓગસ્ટ, 1965ના રોજ આસામના ગુવાહાટીમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુવાહાટીમાં મેળવ્યું હતું. ત્યારબાદ બેંગલુરુની સેન્ટ જોસેફ્સ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે ગુવાહાટીની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 12 સપ્ટેમ્બર, 1990ના રોજ વકીલ તરીકે નોંધણી કરાવીને તેમણે કાયદાકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મુખ્યત્વે દીવાની કેસો, બંધારણીય કાયદો, જમીન સંપાદન અને સરકારી સેવા સંબંધિત કાનૂની બાબતોમાં પ્રેક્ટિસ કરતા હતા.

ત્રિપુરા સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ આપી ચૂક્યા છે સેવા

જસ્ટિસ પાઠકે પોતાની વકીલાતની કારકિર્દી દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓ માટે કાનૂની કામગીરી સંભાળી હતી. તેઓ વર્ષ 2004થી ત્રિપુરા સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત ફેબ્રુઆરી 2005થી આસામ સરકારના શિક્ષણ વિભાગના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અને ગુવાહાટી હાઈકોર્ટના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. તેઓ આસામ લો કમિશન અને ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ જોડાયેલા રહ્યા હતા.

ગુવાહાટીથી ઓડિશા અને ત્યારબાદ ગુજરાત સુધીની સફર

જસ્ટિસ માનસ રંજન પાઠકની ન્યાયિક કારકિર્દી 22 મે, 2013ના રોજ ગુવાહાટી હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકેની નિમણૂકથી શરૂ થઈ હતી. ત્યારબાદ 12 નવેમ્બર, 2018થી તેઓ કાયમી ન્યાયાધીશ બન્યા હતા. 21 જુલાઈ, 2025ના રોજ તેમની ઓડિશા હાઈકોર્ટમાં બદલી થઈ હતી. ઓડિશા હાઈકોર્ટમાં સેવા આપ્યા બાદ 14 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની નિવૃત્તિની નિર્ધારિત તારીખ 27 ઓગસ્ટ, 2027 છે.

કોલેજિયમની ભલામણ બાદ હવે શું થશે?

સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ ઉચ્ચ ન્યાયતંત્રમાં મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટેનો મહત્ત્વપૂર્ણ તબક્કો છે. જોકે કોલેજિયમ દ્વારા નામની ભલામણ કરવામાં આવે એટલે નિમણૂક તાત્કાલિક અમલમાં આવી જાય એવું નથી. હવે કેન્દ્ર સરકાર દ્વારા સંબંધિત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂકને મંજૂરી આપવામાં આવશે અને સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જસ્ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઈકોર્ટના નિયમિત મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક અમલમાં આવશે.

આ પણ વાંચોઃ YouTubeને ટક્કર આપવાની તૈયારી, Instagram પર અપલોડ થશે 90 મીનિટ સુધીનો વીડિયો
Back to top button