ખડગેએ AAPને ભાજપની ‘બી ટીમ’ ગણાવી, કહ્યું, “દિલ્હીના માણસો પંજાબ ચલાવી રહ્યા છે”

Mallikarjun Kharge Slams AAP in Sangrur: પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીઓ અગાઉ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પંજાબના સંગરુરમાં એક વિશાળ જાહેરસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ સંગરુરમાં સણસણતો આક્ષેપ કરતા કહ્યું હતું કે, “અહીં પંજાબમાં ચાલતી સરકાર અત્યંત ભ્રષ્ટ છે. મેં મારી 60 વર્ષની લાંબી રાજકીય કારકિર્દીમાં આવી ભ્રષ્ટ સરકાર ક્યારેય જોઈ નથી. અહીંના દરેક મંત્રાલયમાં દિલ્હીના માણસો બેસાડવામાં આવ્યા છે, જેઓ ઉઘરાવેલા નાણાં દિલ્હી મોકલી રહ્યા છે.”
ખડગેએ આપને ભાજપની ‘બી ટીમ’ ગણાવી
મલ્લિકાર્જુન ખડગેએ આમ આદમી પાર્ટી પર વિપક્ષી એકતાને તોડવાનો આરોપ મૂકતા તેને ભારતીય જનતા પાર્ટી (BJP) ની ‘બી ટીમ’ ગણાવી હતી. તેમણે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, “આ લોકો કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે જ ચૂંટણી લડે છે. અમે ગુજરાતમાં જીતી રહ્યા હતા પરંતુ તેમણે ત્યાં આપણી સાથે તોડફોડ કરી. ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ તમારું કોઈ અસ્તિત્વ નથી, તો પછી તમે ત્યાં શા માટે જાવ છો? તમે લોકશાહીનો નાશ કરવા અને નરેન્દ્ર મોદી તેમજ આરએસએસ (RSS) નો પ્રચાર કરવા માંગો છો. જો જનતા આવા લોકોને પાઠ નહીં ભણાવે તો આપણી લોકશાહી ખતમ થઈ જશે.”
કેજરીવાલના વલણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
કોંગ્રેસ અધ્યક્ષે આગળ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ક્યારે કોને ટેકો આપશે તેનો કોઈ ભરોસો નથી. તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધીએ તાજેતરમાં સ્થાનિક પીડિતો સાથે વાતચીત કરી હતી, જેમાં એક માતાએ પોતાના બાળકને ગોળી વાગી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, તો બીજી માતાએ પોતાના 2 બાળકો ડ્રગ્સના દૂષણને કારણે ગુમાવ્યા હોવાની આપવીતી સંભળાવી હતી. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ખડગેએ ભારપૂર્વક કહ્યું કે, “અમારો દ્રઢ સંકલ્પ પંજાબને ડ્રગ્સ મુક્ત કરવાનો, ગુંડારાજનો અંત લાવવાનો, ખેડૂતોને તેમના અધિકારો આપવાનો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો છે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
SIR અને ચૂંટણી પંચના મુદ્દે વિપક્ષી ગઠબંધનથી આપ દૂર રહેતા રાજકારણ ગરમાયું
કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા આમ આદમી પાર્ટી પર આ તીખો હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પંજાબમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ખાસ કરીને એસઆઈઆર (SIR) મુદ્દે તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનમાં આપ (AAP) એ ઓલ ઈન્ડિયા ગઠબંધનથી (INDIA Alliance) પોતાને દૂર રાખ્યા હતા. આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસે આપ સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે પંજાબનું ભવિષ્ય દિલ્હીમાં બેઠેલા નેતાઓ નહીં પરંતુ પંજાબની જનતા પોતે જ નક્કી કરશે.
આ પણ વાંચો: ‘સિદ્ધુના ગીતોમાં પંજાબનો અવાજ હતો…’ સંગરૂકની રેલીમાં રાહુલ ગાંધીએ મૂસેવાલાને કર્યા યાદ












