નેશનલ

હૈદરાબાદમાં ₹6.78 કરોડનું નકલી નોટોનું કૌભાંડ: યુટ્યુબ જોઈને નકલી નોટો છાપતી ગેંગનો પર્દાફાશ!

Hyderabad Fake Currency Racket Bust: તેલંગાણાના હૈદરાબાદ શહેર બહાર એક અત્યંત ચોંકાવનારૂં અને મોટા પાયે ફેલાયેલું ફેક કરન્સી બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ફ્યુચર સિટી કમિશનરેટ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરતા હૈદરાબાદની બહાર આવેલા કુંટલૂર વિસ્તારમાં સક્રિય રીતે ધમધમતા નકલી ચલણી નોટ છાપવાના એક હાઈ-ટેક રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર મુખ્ય શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી કુલ ₹ 6.78 કરોડ જેટલી જંગી કિંમતની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગત 1 નવેમ્બરના રોજ અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાદનગર સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ (SOT) ની સંયુક્ત ટીમે નેશનલ હાઇવે 65 પર રામોજી ફિલ્મ સિટી નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક કારને રોકીને તપાસ કરી ત્યારે આ સમગ્ર રેકેટનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તે વાહનમાંથી ₹ 500 ના દરની કુલ ₹ 8 લાખની કિંમતની નકલી નોટો જપ્ત કરીને અંદર સવાર ચાર શખ્સોને પકડી લીધા હતા.

યુટ્યુબ અને સોશિયલ મીડિયા વીડિયો જોઈને શીખ્યા નોટો છાપવાની કળા

પ્રાથમિક પૂછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કુંટલૂર વિસ્તારમાં ભાડે રાખવામાં આવેલા એક મકાનમાંથી ચલાવવામાં આવી રહી હતી, જે નકલી ચલણ છાપવાનું મુખ્ય મિની-પ્રોડક્શન યુનિટ હતું. પોલીસે આ જગ્યા પર દરોડો પાડીને ₹ 500 ના દરની નકલી નોટોના 134 બંડલ જપ્ત કર્યા હતા, જેની કુલ બજાર કિંમત આશરે ₹ 6.70 કરોડ થાય છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક હાઈ-ટેક કલર પ્રિન્ટર, સ્કેનર, લેપટોપ, લેમિનેશન મશીન અને નોટો કાપવાના અદ્યતન સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મુખ્ય આરોપી માદુપોજુ કર્ણકરે યુટ્યુબ પર ઉપલબ્ધ વીડિયો અને સોશિયલ મીડિયાની સામગ્રી જોઈને જાતે જ નકલી નોટો બનાવવાનું શીખી લીધું હતું. તેણે અસલી ₹ 500 ની નોટોને સ્કેન કરીને ફોટોશોપ જેવા એડિટિંગ સોફ્ટવેર દ્વારા તેની છબીઓ પરફેક્ટ એડિટ કરી હતી અને પ્રિન્ટ આઉટ કાઢીને નકલી નોટો તૈયાર કરી હતી.

નકલી પોલીસ ઓળખ કાર્ડ બતાવીને લોકોને ડરાવીને લૂંટતી હતી આ ગેંગ

તપાસમાં એ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ કુખ્યાત ગેંગ માત્ર નકલી નોટો છાપવા પૂરતી સીમિત નહોતી, પરંતુ તેને અસલી ચલણમાં વટાવવા માટે નવી યુક્તિઓ અપનાવતી હતી. શરૂઆતમાં તેઓ ખરીદદારોને ₹ 1 લાખના અસલી ચલણ સામે ₹ 3 થી ₹ 4 લાખની નકલી નોટો આપવાની લાલચ આપતા હતા. પરંતુ જ્યારે તેમની આ પદ્ધતિ નિષ્ફળ ગઈ ત્યારે તેઓએ વધુ ખતરનાક રીત અપનાવી. તેઓ ખરીદદારોને વિશ્વાસમાં લેવા માટે અસલી ચલણ બતાવતા અને ત્યારબાદ નકલી પોલીસ આઈડી કાર્ડ, વોકી-ટોકી, નકલી પિસ્તોલ તથા નકલી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી હોવાનો ડોળ કરતા હતા. આ રીતે તેઓ ગ્રાહકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી અસલી નાણાં લૂંટીને ફરાર થઈ જતા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચોંકાવનારા ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગે અગાઉ બે અલગ-અલગ ઘટનાઓમાં નિર્દોષ લોકો સાથે ₹ 2 લાખ અને ₹ 3 લાખની છેતરપિંડી આચરી હતી. પોલીસે આ કેસમાં પકડેલા આરોપીઓની ઓળખ માદુપોજુ કર્ણકર, ચિનોલા માણિક્ય રેડ્ડી, ચેરુકુપલ્લી રત્નાકર રેડ્ડી અને કરણમ અજય કુમાર તરીકે પ્રગટ કરી છે, જ્યારે આ સિવાયના અન્ય ત્રણ સાગરીતો હજુ પણ પોલીસ પકડથી દૂર ફરાર છે. પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીએ જણાવ્યું કે અબ્દુલ્લાપુરમેટ પોલીસ અને શાદનગર એસઓટી (SOT) ની ટીમો સંયુક્ત રીતે આ કેસની કડીઓ જોડી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા, આ રેકેટના આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય વ્યાપને સમજવા તેમજ આ ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય અન્યોના નામ બહાર લાવવા માટે સઘન તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં પોલીસ અધિકારીની હત્યાથી હોબાળો! 48 કલાકમાં બે આરોપીઓનું શોર્ટ એન્કાઉન્ટર

Back to top button