મણિપુરમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સશસ્ત્ર હુમલો: પિતા-પુત્ર સહિત 4 ની હત્યા

Manipur Kamjong Pilong Village Attack: મણિપુરના કામજોંગ જિલ્લાના પિલોંગ ગામમાં ગુરુવારે થયેલા એક ભીષણ સશસ્ત્ર હુમલામાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના ભારત-મ્યાનમાર સરહદ પિલર નંબર 95 નજીક બની હતી, જે ચાસદ પોલીસ સ્ટેશનથી અંદાજે 30 કિલોમીટર દૂર છે. અહેવાલો મુજબ, હુમલાખોરો સરહદ પારથી આવ્યા હોવાની પોલીસને શંકા છે. આ હુમલામાં પિતા અને પુત્ર સહિત 4 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અખાન કાપિંગ નામનો વ્યક્તિ ભાગી જઈને બચવામાં સફળ રહ્યો હતો અને તેણે આ ઘટનાની જાણ કરી હતી.
KNA-B જૂથ પર શંકા
ઘટનાની જાણ થતાં જ ચાસદ પોલીસ સ્ટેશનના અધિકારીઓના નેતૃત્વમાં સ્થાનિક લોકો અને આસામ રાઇફલ્સની ટીમ પિલોંગ ગામ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃતકોની ઓળખ ફામી જાજો, નિંગથેમ જિંગસુઇ, બેટરસન જાજો અને વારેશિમ જાજો તરીકે થઈ છે, જોકે અધિકારીઓએ હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ કરી નથી. પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ સંગઠનનું નામ લીધું નથી, પરંતુ શંકાની સોય કુકી નેશનલ આર્મી બર્મા (KNA-B) તરફ વળેલી છે.
નાગા-કુકી સંઘર્ષમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોના મોત
કામજોંગ જિલ્લો મુખ્યત્વે તાંગખુલ નાગા સમુદાયની વસ્તી ધરાવે છે. 7 ફેબ્રુઆરીથી આ વિસ્તારમાં નાગા અને કુકી સમુદાયો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જેની શરૂઆત દારૂના નશામાં થયેલા એક ઝઘડાથી થઈ હતી. અગાઉ 13 મેના રોજ થયેલા હુમલામાં 3 ચર્ચ નેતાઓ સહિત 4 લોકોના મોત થયા હતા, જેના પછી બંને સમુદાયોએ 48 લોકોને બંધક બનાવ્યા હતા. બાદમાં બંધકોને મુક્ત કરાયા હતા પરંતુ 6 નાગાઓના મૃતદેહ વિકૃત હાલતમાં મળ્યા હતા. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 40 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તાંગખુલ નાગા લોંગ દ્વારા 24 કલાકના બંધનું આહ્વાન
આ હિંસક ઘટનાના વિરોધમાં તાંગખુલ નાગા લોંગ (TNL) સંગઠને શુક્રવારે સવારે 7 વાગ્યાથી શનિવારે સવારે 7 વાગ્યા સુધી 24 કલાકના બંધની જાહેરાત કરી છે. TNL એ આ હુમલા માટે KNA-B અને કુકી નાર્કો-આતંકવાદીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. સરહદી વિસ્તારમાં હાલ સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતાં એર ઈન્ડિયાનો કો-પાઈલટ સસ્પેન્ડ












