ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પેકેજ્ડ ફૂડ પર લાગશે રેડ વૉર્નિંગ લેબલ, જાણો ક્યારે થશે નિયમ લાગુ

Red Warning Label : ભારતમાં પેકેજ્ડ ફૂડને લઈને મહત્વનો ફેરફાર થવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના પેકેટ પર વૉર્નિંગ લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં 43 પાનાનું સોગંદનામું રજૂ કર્યું છે. કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા 13 સવાલોના જવાબમાં FSSAIએ વધુ ખાંડ, મીઠું અને ચરબી ધરાવતા ખાદ્ય પદાર્થો માટે આગળના ભાગે લાલ હેક્સાગોન વૉર્નિંગ લેબલની દરખાસ્ત અંગે માહિતી આપી છે.

પેકેટ પર કઈ ચેતવણી જોવા મળશે?

પ્રસ્તાવિત નિયમ મુજબ પેકેજ્ડ ફૂડના આગળના ભાગે લાલ હેક્સાગોનમાં ‘HIGH SUGAR’, ‘HIGH SALT’ અથવા ‘HIGH FAT’ જેવી ચેતવણી દર્શાવવામાં આવી શકે છે. FSSAIના જણાવ્યા મુજબ આ લેબલ નક્કી કરતી વખતે ખાસ કરીને ખાદ્ય પદાર્થમાં રહેલી Added Sugar અને Added Fatને ધ્યાનમાં લેવામાં આવશે. બીજી તરફ, કુલ ખાંડ અને સેચ્યુરેટેડ ફેટના માપદંડ અંગે અલગ વ્યવસ્થા રહેશે. ઔદ્યોગિક Trans Fat માટે અલગ વૉર્નિંગ લેબલની જોગવાઈ કરવામાં આવશે નહીં.

નિયમ ક્યારે અમલમાં આવી શકે?

FSSAIના સોગંદનામા અનુસાર નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આશરે ચાર મહિના લાગી શકે છે. ત્યારબાદ જાહેર જનતા તેમજ WTO તરફથી સૂચનો અને વાંધા મંગાવવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. નિયમો નક્કી થયા બાદ ફૂડ કંપનીઓને પેકેજિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે 365 દિવસની મુદત મળી શકે છે. લેબલિંગ સંબંધિત ફેરફારો સામાન્ય રીતે 1 જુલાઈથી અમલમાં મૂકવાની નીતિને ધ્યાનમાં લેતા આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમો જુલાઈ 2028ની આસપાસ અમલમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ માટે અલગ લેબલ નહીં

સુપ્રીમ કોર્ટે અત્યંત પ્રોસેસ્ડ એટલે કે Ultra-Processed Food અંગે પણ સવાલ કર્યો હતો. તેના જવાબમાં FSSAIએ જણાવ્યું કે ખાદ્ય પદાર્થની પ્રક્રિયા અને તેની પોષક રચના બે અલગ બાબતો છે. તેથી વૉર્નિંગ લેબલ નક્કી કરતી વખતે મુખ્યત્વે ખાંડ, મીઠું અને ચરબી જેવા પોષક તત્વોના પ્રમાણને આધાર બનાવવામાં આવશે.

લેબલ કઈ ભાષામાં હશે?

FSSAIના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત વૉર્નિંગ લેબલ હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં હોઈ શકે છે. આ ઉપરાંત લોકોમાં પોષણ અંગે જાગૃતિ વધારવા માટે શાળાઓમાં Nutrition Literacyને અભ્યાસક્રમનો ભાગ બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ FSSAI દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો અને પ્રસ્તાવની સમીક્ષા કરશે. ત્યારબાદ પેકેજ્ડ ફૂડ પર વૉર્નિંગ લેબલ અંગે આગળની દિશા સ્પષ્ટ થશે

આ પણ વાંચો : જમ્મુ સરહદ નજીક બિહારનો તારાચંદ ઝડપાયો, મોબાઇલમાં મળ્યા પાકિસ્તાની નંબરો

Back to top button